Get The App

કેનેડા અને ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા 39 લોકો સાથે 1.49 કરોડની ઠગાઈ

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
કેનેડા અને ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા 39 લોકો સાથે 1.49 કરોડની ઠગાઈ 1 - image


કેનેડા અને ઓસ્ટ્રેલિયા જવા ઇચ્છતા 39 લોકો સાથે છેતરપિંડી કરી 1.49 કરોડ પડાવી લેનાર ભેજાબાજ સામે 13 મહિના પછી ગોત્રી પોલીસે કોર્ટના હુકમ પછી ગુનો દાખલ કર્યો છે.

વાસણા ભાયલી  રોડ પર અક્ષર પેવેલિયનમાં રહેતા હિમાંશુ સુરેન્દ્રકુમાર રાવ એસોર કેપીટના નામે  ઇમિગ્રેશનનું કામ કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  હું કેટલાક દેશોનું કામ કરું છુ. પરંતુ, અન્ય દેશમાં જવા માંગતા ગ્રાહકોનું કામ તેમના જેવું જ કામ કરતી  અન્ય  ઓફિસ પાસે કરાવું છું. જોબ્સ એશિયા નામની ઇમિગ્રેશન ફર્મના સંચાલક સુખવીંદરસીંગના સંપર્કમાં હું વર્ષ 2015-16માં આવ્યો હતો. તેમની પાસે  શરૃઆતમાં સીંગાપુરના ઇન્ટર્નશિપ વિઝા, વર્ક પરમિટ વગેરેનું કામ તેમની પાસે કરાવ્યું હતું.

વર્ષ - 2020માં અમારા 39 ગ્રાહકોનું  ઓસ્ટ્રેલિયા તથા  કેનેડાના ઝિા પ્રોસેસ તથા વર્ક  પરમિટનું કામ સોંપ્યું હતું. તેના માટે 1.49 કરોડ બેન્ક એકાઉન્ટમાં ચૂકવ્યા હતા. 19.08 લાખ રોકડા તથા 15.44 લાખ ક્રિપ્ટો કરન્સી કોઇન  દ્વારા ચૂકવ્યા હતા. 9 ગ્રાહકોને ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા  સુખવીંદરસીંગે અમને મોકલ્યા હતા. તેના આધારે ગ્રાહકો ટિકિટ બુક કરાવીને એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ આ વિઝા નકલી હોવાનું જણાવ્યું હતું. આવું જ અન્ય ગ્રાહકો સાથે  થયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, અન્ય વ્યક્તિઓના નામે ઇશ્યૂ થયેલા વિઝામાં ચેડાં કરીને આરોપીએ અમારા ગ્રાહકોના નામના ખોટા અને બનાવટી વિઝા બનાવ્યા હતા. જેના કારણે ગ્રાહકો રોષે ભરાયા હતા. પરંતુ, આરોપીના કહેવાથી મેં ગ્રાહકોને સમજાવી સમય માંગ્યો હતો.

ત્યારબાદ કેનેડા જવા ઇચ્છતા લોકો સાથે પણ આરોપીએ આ રીતે છેતરપિંડી કરી હતી અને ખોટા એલ.એમ.આઇ.એ. બનાવ્યા હતા. તેમજ આરોપીએ કેનેડાના કામ માટે લીંગ વોંગ એન્ડ એસોસિયેટ્સ નામની કંપનીનો સંપર્ક કરવા કહ્યું હતું. તેના આધારે મેં સંપર્ક કર્યો હતો. પરંતુ, વેરિફિકેશન દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ કંપનીનો મને આપેલો ઇમેલ ખોટો હતો.

પોલીસે ગુનો દાખલ નહીં કરતા કોર્ટમાં કેસ કરવો પડયો

આરોપી ભારત આવ્યો હોવાની જાણ થતા ફરિયાદ કરી પણ  પોલીસે  કોઇ કાર્યવાહી ના કરી ત્યારબાદ આરોપી પૈસા પરત કરવાનો ભરોસો આપી દુબઇ ફરાર થઇ ગયો હતો. થોડા સમય પછી તે પરત ભારત આવ્યો હોવાની જાણ થતા હિમાંશુ રાવે  આ અંગે તા. 27 - 12 -2023ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. વાસણા ચોકીના પી.એસ.આઇ. દ્વારા 10મી જાન્યુઆરી - 2024ના  રોજ નિવેદન લેવામાં આવ્યા હતા. પરંતુ, કોઇ કાર્યવાહી નહીં થતા તા. 22- 03-2024 ના રોજ પોલીસ  કમિશનરને અરજી કરવામાં આવી હતી.  પરંતુ, કોઇ કાર્યવાહી નહીં થતા હિમાંશુ રાવે કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે સીઆરપીસી 156 (3) મુજબ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આરોપીના કરતૂતોના કારણે ગ્રાહકો કેનેડાના બ્લેક લિસ્ટમાં મૂકાયા

સુખવીંદરસીંગે વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે છેતરપિંડી કરી 1.49 કરોડ પડાવી લીધા હતા. તેણે બનાવેલા ખોટા ડોક્યુમેન્ટ્સના કારણે કેનેડાની એમ્બસી દ્વારા તમામ લોકોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News