Get The App

દ્વારકાનો હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો : બે અજાણી મહિલાએ વૃદ્ધને જબરાં ફસાવ્યા અને કરી 'ઓનલાઈન' લૂંટ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
દ્વારકાનો હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો : બે અજાણી મહિલાએ વૃદ્ધને જબરાં ફસાવ્યા અને કરી 'ઓનલાઈન' લૂંટ 1 - image
AI Image

Dwarka Honeytrap Case: યાત્રાધામ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા બાદ અહીં વાતો કરતા વૃદ્ધ પાસે આવેલા ત્રણ શખ્સોએ મિલીભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા રૂ. 39,000 ટ્રાન્સફર કરાવી નાસી છૂટયા હતાં. તેઓઆ અન્ય એક યુવકનં રૂા. 4,000ની રોકડ રકમની લૂંટ પણ ચલાવવાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે બે દંપતી તેમજ અન્ય એક યુવાન સહિત પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા.

2 અજાણી મહિલાએ બગીચામાં લઈ જઈને ખેલ રચ્યો

વિગત મુજબ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક નિવૃત્ત વૃદ્ધ ગઈકાલે મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને મળી હતી. પોતે દ્વારકામાં કઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું. આ બહાને બંને સ્ત્રીઓ ફરિયાદી વૃદ્ધના મોટરસાયકલ પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા.

એકાએક બગીચામાં 3 શખ્સો ધસી આવ્યા, બાદમાં કરી મારકૂટ અને લૂંટ

અહીં તેઓ પાસે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ પાંચેય વ્યક્તિઓએ એકસંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્જેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યાર બાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના ક્યુ.આર. કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા 39,000 ટ્રાન્સફર કરી, ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, અનિલકુમાર નામના એક આસામીને પણ ચીટર ટોળકીએ આ પ્રકારે રૂપિયા 4,000 ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

બે દંપતી સહિત પાંચ આરોપીની ધરપકડ

આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસે વિપ્ર વૃદ્ધની ફરિયાદ પરથી બે અજાણી સ્ત્રીઓ તથા ત્રણ અજાણ્યા પુરુષો મળી કુલ 5 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ પી.આઈ. ડી.એચ. ભટ્ટ ચલાવી હતી. જેમાં પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી કેટલીક વિગત તેમજ સીસી ટીવીના આધારે એક યુવાનની ઓળખ થયા બાદ પોલીસે કોમ્બિંગ તેમજ તપાસ અંગેની કામગીરી કરી, આ પ્રકરણમાં બે મહિલાઓ તેમજ ત્રણ પુરુષોની અટકાયત કરી હતી. જેમાં બે દંપતિનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ જીલુભા ઉધરડા, સોનલ રાહુલ, રમેશ કાનજી સંઘાર અને સુનીતા રમેશ તેમજ સુમિત જીતેન્દ્ર દુબેનો સમાવેશ થાય છે. ઝડપાયેલો સુમિત એક મહિલાનો ભાઈ થાય છે. વૃદ્ધને લોભામણી લાલચ આપીને ધાડના આ બનાવમાં આરોપીઓને દ્વારકા પોલીસે ઝડપી લઇ, આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે સમાજમાં લાલબત્તીરૂપ આ કિસ્સાએ દ્વારકા પંથકમાં ચર્ચા જગાવી છે.


Google NewsGoogle News