આગામી ધો. 10ની પરીક્ષામાં 37,373 અને ધો.12માં 23,820 વિદ્યાર્થી નોંધાયા
ગાંધીનગર સ્થિત શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર
જિલ્લા પરીક્ષા સમિતિને લગત વિવિધ સુચનો અને કામગીરી અંગેના નિયમો બોર્ડ દ્વારા સુચવાયા
મળતી વિગતો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પરીક્ષાને લઈ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવા સહિત તેને લગત કાર્યોની સુચી પણ જાહેર કરાઈ છે. જે મુજબ સ્થળ સંચાલકોની મિટીંગ કરી સુચના તથા તાલીમ આપવી, પરીક્ષા સ્થળોનું પ્રત્યેક્ષ નિરિક્ષણ, કાયદો - વ્યવસ્થા જાળવવા પોલીસનું આગોતરૂ આયોજન, જરૂર જણાય તેવા પરીક્ષા કેન્દ્રો પર સ્કોડ મોકલવાનું આયોજન કરવા, પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી, કર્મચારીને ઓળખપત્ર આપવા, પરીક્ષા સ્થળે ફરિયાદ પેટી, સુચના પેટીની વ્યવસ્થા કરી રોજે રોજ ખોલવા અને તેના નિરાકરણની વ્યવસ્થા કરવા, પરીક્ષા શરૂ થવાથી પૂર્ણ થાય ત્યાં સુધી સીસી ટીવી કેમેરાનું રેકોર્ડીંગ અવિરત ચાલુ રાખવા, પેટી રાખવા, પરીક્ષાર્થીઓ જો ખુદ મોજા પહેરીને આવેલ હોય તો પરીક્ષા ખંડ બહાર કાઢી પ્રવેશ આપવા, ધો. ૧૦માં કેલ્યુલેટર પર મનાઈ અને ધો. ૧રમાં સાદુ કેલ્યુલેટર વિદ્યાર્થી લઈ જઈ શકશે. આમ વિવિધ સુચનાઓ જારી કરાઈ છે. ભાવનગર જિલ્લામાં ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર, રીપીટર, આઈસોલેટેડ એમ કુલ મળી ૮૯૬૧ ભાઈઓ અને ૮૪૯૩ બહેનો એમ કુલ ૧૭૪૫૪ વિદ્યાર્થી નોંધાયા છે. તો બોટાદમાં ૫૩૩૦ નોંધાયા છે. ધો. ૧ર વિ.પ્ર.માં ભાવનગરમાં ૬૩૬૬ અને બોટાદમાં ૮૬૯ વિદ્યાર્થી નોંધાયા છે. તો ધો. ૧૦માં ભાવનગરના ૩૭૩૭૩ છાત્રો અને બોટાદમાં ૧૦૩૧૧ પરીક્ષાર્થી નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સ્થાનિક કક્ષાએથી જિલ્લાનો એક્શન પ્લાન હજુ જાહેર થવાનો બાકી હોવાનું જણાયું છે.