ડ્રગ્સ અને મની લોન્ડરિંગનો કેસ થયાનું કહી આધેડ પાસેથી 36.63 લાખ પડાવી લેવાયા
- સરકારની ચેતવણી છતાં ગાંધીધામમાં ડીજીટલ અરેસ્ટની ઘટના
- અંજારનાં આધેડ સાથે 36.53 લાખની ઠગાઇનાં 16 દિવસે ગાંધીધામમાં છેતરપિંડી થયાની બીજી ફરિયાદ
ગાંધીધામ : ગાંધીધામનાં આધેડને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરી પોતાની ઓળખ મુંબઈ પોલીસની આપી આધેડ પર ડ્રગ્સ અને મની લોડરિંગનો કેસ થયો છે કહી ડરાવી ધમકાવી તેના પાસેથી કુલ ૩૬.૬૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોતાની મુંબઈ પોલીસમાં ઇન્સપેક્ટર તરીકે ઓળખ આપતા અજાણ્યા ઈસમે ફરિયાદીનાં વોટ્સઅપ નંબર પર મુંબઈ પોલીસ તરફથી ડ્રગ્સ અને મની લોડરિંગનું કેસ થયું હોવાનું કહી એફ.આઈ.આર મોકલી આધેડ સાથે વોટ્સઅપ પર વિડીયો કોલ મારફતે પૂછપરછ કરી તેને ડરાવી અને ધમકાવી તેના પાસેથી પોતે મોકલેલા બેંક ખાતામાં આર. ટી. જી. એસ મારફતે રૂપિયા મંગાવી લઇ આધેડ સાથે ઠગાઇ કરી હતી. અંજારના આધેડ સાથે હજુ ૧૬ દિવસ પહેલા જ આ પ્રકારની ઘટના બની છે. ત્યારે હવે ગાંધીધામમાં પણ ડીઝીટલ અરેસ્ટની ઘટના બનતા ઘેરા પ્રત્યઘાતો પડયા છે.
ગાંધીધામનાં વોર્ડ નં - ૧૦એ ગુરુકુળની પાછળ રહેતા અને દિનદયાલ પોર્ટ ખાતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતા સાંઈ એસ શાી ચીવુકુલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૧૧ જાન્યુઆરીનાં ફરિયાદીનાં મોબાઈલ ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેમાં સામાવાળાએ ફરિયાદીને પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપી જણાવ્યુ હતુ કે, તમારા આધાર કાર્ડનો મિસયુઝ થયો છે. જેમાં તમારા નામે કોઈએ મુંબઈથી દુબઇ પાર્સલ મોકલાવ્યો છે. જેમાં પોલીસ યુનિફોર્મ, પોલીસનો આઈ કાર્ડ અને ડ્રગ્સ મળેલ છે તેમ કહી તમને અમારા ઉપલા અધિકારી ફોન કરશે કહી ફોન રાખી દીધો હતો. જે બાદ ફરિયાદીને એક અજાણ્યા નંબરથી વોટ્સઅપ પર વિડિયો કોલ આવ્યો હતો. જેમાં સામાવાળો પોલીસ વર્ધીમાં બેઠો હતો અને પોતાની ઓળખ મુંબઈ પોલીસમાં પી. આઈ તરીકે આપી ફરિયાદીને વિડિઓ કોલમાં ફરિયાદીને કહયું હતુ કે, તમારું નામ મની લોડરિંગ અને ડ્રગ્સમાં આવ્યુ છે. તમે જે સાચું હોય એ કહી દયો નહીંતર તમારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે કહી ધમકાવ્યો હતો અને ફરિયાદીને એક એફ. આઈ. આર મોકલી હતી. જેમાં ફરિયાદી પર મની લોડરિંગનું કેસ થયું હોય એમ લખેલુ હતુ અને મુંબઈ પોલીસનાં સહી સિક્કા વાળું લેટર જોઈ ગભરાઈ ગયો હતો. જેનું લાભ લઇ સામા વાળાએ ફરિયાદીને કેસમાં બચવું હોય તો રૂપિયા આપવા પડશે તમારા પુરા પરિવારની માહિતી અમારા પાસે છે કહી ધાકધમકી કરી હતી. જેથી ફરિયાદી ગભરાઈને સામા વાળાએ વોટ્સઅપ પર મોકલેલા બેંક એકાઉન્ટ નંબર પર આર. ટી. જી. એસ મારફતે પ્રથમ કુલ રૂ. ૧૮,૩૧,૫૨૦ ટ્રાન્સફર કરી દીધા હતા. જે બાદ ગત ૧૫ જાન્યુઆરીનાં ફરી અજાણ્યા નંબરથી ફરિયાદીનાં મોબાઈલ ફોન પર વોટ્સઅપ કોલ આવ્યો હતો જે આટલા રૂપિયાથી કંઈ નઇ થાય હજુ રૂપિયા મોકલવા પડશે નહિતર આપને પૂછપરછ માટે મુંબઈ બોલાવવામાં આવશે અને તમને ૯૦ દિવસની કસ્ટડીમાં રાખવામાં આવશે જેથી ફરિયાદી ફરી એક વાર ગભરાઈને સામા વાળાએ મોકલેનાં બેંક ખાતામાં વધુ રૂ. ૧૮,૩૧,૫૨૦ ટ્રાન્સફર કરી એમ બે ટ્રાન્જેકશનમાં કુલ રૂ. ૩૬,૬૩,૦૪૦ પડાવી લીધા હતા. જે બાદ પણ અવાર નવાર ફરિયાદીને ફોન કરી સામા વાળા અજાણ્યા શખ્સે માનસિક ત્રાસ આપી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેથી અંતે ફરિયાદીએ સમગ્ર બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.