ગુજરાતમાં અહીં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા ક્ષત્રિયોએ બનાવ્યો પ્લાન, 3500 કાર્યકરો કર્યા તૈયાર
રાજપૂત ગુજરાત કરણી સેના નારી અસ્મિતાની લડાઈમાં સૌને સાથ આપવા અપીલ કરશે
Lok Sabha Elections 2024 | ક્ષત્રિય સમાજની નારી અસ્મિતા લડાઈને લઈને આગામી સાત મેના ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શ્રી રાજપુત ગુજરાત કરણી સેનાએ નિર્ણય કર્યો છે. કચ્છ મોરબીની શીટ પર 3500 રાજપુત ક્ષત્રિય સમાજના યુવાનો કાર્યરત રહીને મતદાન કરાવશે. ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને પગલે ક્ષત્રિય સમાજના લોકો ઘણાં લાંબા સમયથી ભાજપ અને રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. તેઓએ માગ કરી હતી કે ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે પરંતુ ભાજપે પીછેહઠ ન કરી જેના પગલેે ક્ષત્રિયોએ વોટને જ તલવારની જેમ ઉપયોગમાં લેવાનો સંકલ્પ કર્યો છે.
શ્રી રાજપુત ગુજરાત કરણીસેના સહપ્રવક્તા કે.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, નારી અસ્મિતાની લડાઈ કાયમ રહેશે. મહિલાઓનું અપમાન જરા પણ ચલાવી નહીં લેવાય. કચ્છ મોરબીના મત વિસ્તારમાં 3500 જેટલા રાજપુત ક્ષત્રિય સમાજના ભાઈઓ વિવિધ બુથ કેન્દ્રો બહાર કેસરિયા સાફા સાથે કાર્યરત રહેશે જેઓ મતદાતાઓને નારી શક્તિનું જે અપમાન કર્યું છે તે અંગે જણાવશે. તેમજ સમાજ સાથે રહેવાની અપીલ કરશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં તમામ જગ્યાએ સમાજના કાર્યકરો રહેશે. કચ્છ મોરબીની હદમાં સાત વિધાનસભા મત ક્ષત્રમાં 170000 ક્ષત્રિયની વસ્તી છે ત્યારે આ અસ્મિતાની લડાઈમાં આ વખતે કેટલુ મતદાન ભાજપ તરફે કે વિરુદ્ધ થાય છે તે હવે જોવાનું રહે છે.