જૂનાગઢમાં એક-બે નહીં એકસાથે 35 ગામના સરપંચોએ આપી દીધા રાજીનામા, આ છે કારણ...
Junagadh 35 Sarpanch Resigned : ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને રોજ એક વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢ તાલુકાના 35 ગામડાઓના સરપંચોએ એક સાથે રાજીનામા આપ્યા છે. વહીવટી પ્રક્રિયા સહેલી હોવાની જગ્યાએ મુશ્કેલ કરી દેતા, વિકાસના કામો અટકી પડ્યા હોવાથી વહીવટીતંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયો હોવાની ચર્ચા થઈ હતી.
35 સરપંચોએ રાજીનામા ધરી દીધા
મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ તાલુકા કચેરી ખાતે અધિકારીઓની અણઆવડતના કારણે 57 ગામડાઓના વિકાસમાં હાલાકી ભોગવવી પડતી હોવાથી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખુદ તાલુકા વિકાસ અધિકારી જ હાજર ન રહેતા તમામ ગામડાઓના સરંપચોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં રોષે ભરાયેલા 35 જેટલા સરપંચોએ કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલ્યાં હતા.
વહીવટી કામોને લઈને અનેક સવાલો
સમગ્ર મામલે સરપંચોએ આક્ષેપ કર્યા હતા કે, ગ્રામ પંચાયતના વહીવટીમાં કામોમાં GST સહિતના અનેક મુદ્દાઓ લાંબા સમયથી હોવા છતા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન દેવામાં આવતું ન હતું. તેવામાં વહીવટી કાર્ય સરળ કરવાની જગ્યા મુશ્કેલી ભર્યા કરવાથી વિકાસના કામો થતા નથી. આ ઉપરાંત, ગૌચરની જમીન ખાલી કરાવવાને લઈને દબાણ કરવાની સામે હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી ઊભી થાય છે. અંતે કંટાળીને સરપંચોએ રાજીનામા ધરી દીધા હતા.