રાજકોટમાં વૃધ્ધા સાથે પુત્રના સાઢુભાઇ દ્વારા 35 લાખની ઠગાઇ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
રાજકોટમાં વૃધ્ધા સાથે પુત્રના સાઢુભાઇ દ્વારા 35  લાખની ઠગાઇ 1 - image


ધંધામાં રોકાણ માટે રકમ લઇ ચાઉં કરી લીધી : વૃધ્ધા પૈસા આપવા માંગતા ન હતા, પરંતુ પુત્રને સાસરીયા વગેરેએ ભલામણ કરતાં પૈસા આપ્યા હતા

રાજકોટ, : યુનિવર્સિટી રોડ પરના સંજય વાટિકા શેરી નં.4માં રહેતા અને સાયફર-રોક્સ ટેકનોલોજી કંપનીના એમડી સુજાતાબેન રાજશેખરન નાયર (ઉ.વ. 60) સાથે તેના જ પુત્રના પુના રહેતા સાઢુભાઇ પ્રતિશ નાયરે રૂા. 35 લાખની છેતરપીંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

ફરિયાદમાં સુજાતાબેને જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલા તેના પુત્ર વિપિનરાજના પુના ખાતે વેપાર કરતાં સાઢુ પ્રતિશે તેના પુત્ર પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી તેના પુત્રએ તેને આ બાબતે જાણ કરતાં તેણે પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો.  ત્યારબાદ તેના પુત્રને તેના સાસરીયા પક્ષમાંથી, તેની પત્ની વગેરેએ કોલ કરી પ્રતિશને પૈસા આપવાનું કહ્યું હતું. જેથી ફરીથી તેના પુત્રએ તેને કહ્યું કે પ્રતિશને ધંધામાં રોકાણ કરવા રૂા. ૩૫ લાખની જરૂર છે, જે રૂપિયા તમે આપો, તે રૂપિયાનું સારૂ વળતર આપે તેમ છે. એટલું જ નહીં રૂપિયા સમયસર પરત પણ આપી દેશે.  જેને કારણે આખરે તે પૈસા દેવા માટે સહમત થયા હતા. તેની પાસે મિલ્કત વેચાણ પેટે રકમ આવી હતી. જેમાંથી શરૂઆતમાં રૂા.33  લાખ અને બાદમાં રૂા.2 લાખ મળી એમ કુલ રૂા. 35 લાખ પ્રતિશને આપ્યા હતાં. બાદમાં આ રૂપિયાની માંગણી કરતાં પ્રતિશ પરત આપતો ન હતો અને જુદા-જુદા વાયદાઓ કરતો હતો. 

આખરે તેણે વેવાઇ રાજનભાઇ, પુત્રવધુ રશ્મિ, પ્રતિશના પત્ની નેહા વગેરેને પૈસા પરત અપાવવા વિનંતિ કરી હતી.  આમ છતાં પ્રતિશે પૈસા પરત આપ્યા ન હતા. એટલું જ નહીં જુદા-જુદા વાયદાઓ કરી સમય પસાર કરતો હતો. આખરે કંટાળીને તેના વિરૂધ્ધ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ગઇકાલે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. ફરિયાદમાં વધુમાં સુજાતાબેને જણાવ્યું છે કે તેની વહુ રશ્મિ છેલ્લા ત્રણેક માસથી પિતાના ઘરે રિસામણે છે. 


Google NewsGoogle News