તરસાલીની જ્વેલરી શોપમાંથી ૩૫ કિલો ચાંદીના દાગીના ચોરાયા
દુકાનના શટર તોડી ચોર ટોળકી સોનાની ડાયમંડવાળી ૧૨ વીટીઓ પણ ચોરી ગઇ
વડોદરા,તરસાલી શરદ નગરમાં આવેલ જ્વેલરી શોપના તાળા તોડીને ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના મળી ૧૮.૭૭ લાખની મતા ચોરી ગઇ હતી.
માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે સહજાનંદ આઇરિશ ફ્લેટમાં રહેતા કૈલાસચંદ્ર છોગાલાલ શાહ તરસાલી શરદ નગરમાં માનસી જ્વેલર્સ નામની જ્વેલરી શોપ છેલ્લા ૧૦ વર્ષથી ચલાવે છે. તેમની સાથે તેમનો પુત્ર નરેન્દ્ર પણ ધંધામાં મદદ કરે છે. દુકાનના કામ માટે અલ્પેશ બારિયા પણ છે.ગત તા. ૩ જી એ બપોરે સાડા ત્રણ વાગ્યે દુકાન ખોલી હતી. ઠંડી વધારે પડતી હોઇ તેઓ સાત વાગ્યે ઘરે જતા રહ્યા હતા. તેમનો દીકરો સવા આઠ વાગ્યે દુકાન બંધ કરીને પિતાના ઘરે ચાવી અને બેગ આપીને પોતાના ઘરે જતો રહ્યો હતો. તે દરમિયાન રાતે ચોર ટોળકીએ દુકાનના શટરના તાળા તોડી સોના - ચાંદીના દાગીના કિંમત રૃપિયા ૧૮.૭૭ લાખના ચોરી ગઇ હતી. જેમાં ૩૫.૫૦૦ કિલોના ચાંદીના દાગીના હતા. જ્યારે સોનાની ડાયમંડની ૧૨ વીંટીઓ હતી. અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોર ટોળકીએ સીસીટીવી પર લાલ રંગનો સ્પ્રે મારી દીધો
ત્રણ થી ચાર ચોર કાળા કલરની કાર લઇને આવ્યા હતા
વડોદરા,પાડોશમાં જ દુકાન ધરાવતા વેપારીએ કૈલાસચંદ્રને ફોન કરીને જાણ કરી હતી કે, તમારી દુકાનના તાળા તૂટેલા છે. ત્રણ થી ચાર ચોર કાળા કલરની કાર લઇને આવ્યા હતા. ચોર ટોળકીએ જ્વેલરી શોપમાં ઘુસીને દુકાનની અંદર ફિટ કરેલા સીસીટીવી કેમેરા પર લાલ રંગનો સ્પ્રે મારી દીધો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી ચોર ટોળકીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજીસુધી પોલીસને કોઇ નક્કર કડી મળી આવી નથી.