પાંદળ ગામ નજીક ક્વોરી વેસ્ટની હેરાફેરી કરતા 35 ડમ્પરોને રોક્યા
ખાણ ખનીજ વિભાગનો દરોડો
રોયલ્ટી સ્લીપ માંગતા ડમ્પર ચાલકો મૂંઝાયા ટોળું એકઠું થતાં પોલીસને બોલાવવી પડી
આણંદ: ખંભાત તાલુકાના પાંદળ ગામ નજીક ક્વોરી વેસ્ટની હેરાફેરી કરતા ૩૫ ડમ્પરોને ખાણ ખનીજ વિભાગે રોકી રોયલ્ટીની સ્લીપ માંગતા ડમ્પર ચાલકો ગુંચવાયા હતા. લોકોના ટોળા એકઠા થઈ જતાં ખંભાત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
પાંદળ ગામ પાસે ખાનગી કંપની નજીકથી ક્વોરી વેસ્ટની હેરાફેરીની ગેરરીતિ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. ખાણ ખનીજ વિભાગે દરોડો કરી ક્વોરી વેસ્ટ ભરેલા ડમ્પરો રોક્યા હતા. ક્વોરી વેસ્ટની હેરાફેરીની રોયલ્ટીની સ્લીપ માંગતા ડમ્પર ચાલકો કોઈ જવાબ આપી શક્યા ન હતા. જોકે, ખાણ ખનીજ વિભાગની ટીમને ડરાવવા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જેથી તંત્ર દ્વારા ખંભાત પોલીસની મદદ લેવાઈ હતી. જેથી ખંભાત ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને સાથે રાખીને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, અગાઉ પણ આ જ સ્થળે માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું.