હાલારમાંથી 34 પાકિસ્તાનીઓને તંત્ર દ્વારા પરત મોકલવાની ક્વાયત
કેન્દ્ર સરકારના 48 કલાકમાં દેશ છોડવાના આદેશના પગલે : જામનગર જિલ્લામાં 31 અને દ્વારકા જિલ્લામાં 3 પાકિસ્તાની નાગરિકો પાસે લોંગ ટર્મ વિઝા
જામનગર, : કેન્દ્ર સરકારના 48 કલાકમાં દેશ છોડવાના આદેશના પગલે હાલારમાંથી 34 પાકિસ્તાનીઓ ને પરત મોકલવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જામનગર જિલ્લામાં 31 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 પાકિસ્તાની નાગરિકો પાસે લોંગ ટર્મ વિઝા તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સહેલાણીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈને એકશન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ જે કોઈ કારણસર પાકિસ્તાની નાગરિકો ભારત આવ્યા છે. તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં લોંગ ટર્મ વીઝા ધરાવતા 438 પાકિસ્તાની નાગરિકો અને શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 7 પાકિસ્તાની નાગરિકો હાલ ગુજરાતમાં ઉપસ્થિત છે. જેમાં લોંગ ટર્મ વાળા 31 પાકિસ્તાની નાગરિકો જામનગર અને ત્રણ નાગરિકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા કેટલાક પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં ભરૂચમાં શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર રોકાયેલા એક પાકિસ્તાની મહિલા નાગરિકને અટારી બોર્ડર ખાતે મોકલી આપી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.