ખેડા જિલ્લામાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનારા 33 સભ્યો સસ્પેન્ડ
- પાલિકા, તા.પં.ની સામાન્ય અને પેટા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરૂદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનારા 15 તથા બળવાખોરોને મદદ કરનારા સહિત 33 ને પ્રાથમિક અને સક્રીય સભ્ય પદેથી દૂર કરાયાં
ખેડા જિલ્લામાં મહેમદાવાદ, મહુધા, ડાકોર, ખેડા અને ચકલાસી નગરપાલિકા, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬ની કુલ બે બેઠકો ઉપરાંત મહેમદાવાદ તાલુકા પંચાયતના ૭-હલધરવાસ અને ૧૬-મોદજ-૨ બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ પાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે ભાજપમાં મેન્ડેટ ન મળતા પાર્ટીના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તો કેટલાક કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં મદદગારી કરી છે. જ્યારે કેટલાક ઉમેદવારોને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હોવા છતાં અપક્ષ ઉમેદવારી કરી છે. જેથી ભાજપ દ્વારા બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ૧૫ કાર્યકરો સહિત કુલ ૩૩ કાર્યકરોને ભાજપના પ્રાથમિક સભ્ય તથા સક્રીય સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહુધા નગરપાલિકામાં ભાજપના મેન્ડેટ આપેલા ઉમેદવાર સામે મહેશભાઈ પૂનમભાઈ પટેલ, રૂચિર મહેશભાઈ પટેલ, વિધીબેન મેહુલભાઈ પટેલ, મેહુલભાઈ મહેશભાઈ પટેલ અને જીજ્ઞોશ જયંતીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ખેડા પાલિકામાં ભુપેન્દ્રભાઈ ગોહેલ, કમલેશભાઈ વાઘેલા અને બીપીનભાઈ ખલાસીએ, કપડવંજ તાલુકામાં સુરેશભાઈ વાઘેલા અને જયેશભાઈ પરમાર, કઠલાલ તાલુકામાં દેવરાજભાઈ ઝાલા, તખતસિંહ ડાભી, સનાભાઈ છગનભાઈ રાઠોડ અને રામસિંહ ડાભીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પરિણામે બળવો કરનારા તમામ ૧૫ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત અપક્ષ ઉમેદવારી કરાવનારા કઠલાલના પરાગ રાઠોડ, ચકલાસીના જયેશભાઈ વાઘેલા, અજીતભાઈ વાઘેલા, સુરેશભાઈ વાઘેલા, પ્રકાશભાઈ વાઘેલા, ચિરાગસિંહ વાઘેલા, પ્રજ્ઞોશભાઈ પારેખ, શિરીષભાઈ પટેલ, પ્રવીણભાઈ વાઘેલા, રઈજીભાઈ વાઘેલા, સંગીતાબેન વાઘેલા, અમથાભાઈ જાદવ, મનોજભાઈ વાઘેલા, કમલેશભાઈ વાઘેલા, મહેમદાવાદના હેતલભાઈ મહેતા, હર્ષિદાબેન ભાવસાર, કલ્પ પટેલ, મૌલિક ડાભી અને ગીતાંજલિબેન ભટ્ટાચાર્યને ભાજપના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યના પદ સહિતના તમામ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપે મેન્ડેટ આપ્યું છતાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા સસ્પેન્ડ કરાયાં
ભાજપ દ્વારા મહુધા પાલિકામાં વોર્ડ નં.પાંચ માંથી પૂર્વ પાલિકા પ્રમુખ વિધીબેન પટેલ અને પૂર્વ પાલિકા પ્રમુખ મહેશ પટેલના દીકરા રૂચિર પટેલને મેન્ડેટ જાહેર કર્યો હતો. જોકે, બંને ઉમેદવારોએ પક્ષના મેન્ડેટની અવગણના કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરિણામે ભાજપે મેન્ડેટ બલદીને અન્ય કાર્યકરોના નામ જાહેર કર્યાં હતાં. પાર્ટી દ્વારા બંનેને મેન્ડેટ આપવામાં આવ્યું હતું પરંતુ બાકીની બેઠકોમાં પોતે કહે તે પ્રમાણે મેન્ડેટ આપવાની જીદ પકડી હતી. જોકે, પાર્ટી દ્વારા અન્ય બેઠકો ઉપર બીજા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતાં બંને ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટની વિરૂદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા પાર્ટીએ બંનેને સસ્પેન્ડ કર્યાં હતાં.
ક્યા ગામમાંથી કેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરાયાં
ગામ |
સસ્પેન્ડ
કરેલા |
|
કાર્યકરો |
મહુધા |
૫ |
ખેડા |
૩ |
કપડવંજ |
૨ |
કઠલાલ |
૫ |
ચકલાસી |
૧૩ |
મહેમદાવાદ |
૫ |
કુલ |
૩૩ |