માત્ર મુદ્દાને બદલે તડજોડ વચ્ચે રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છની 32 સુધરાઈની ચૂંટણી
સ્ટાર પ્રચારને બદલે પક્ષપલ્ટા ચાલ્યા-સત્તા માટે હવાતિયા : સવારે 7થી સાંજે 6 સુધી મતદાન : મંગળવાર તા. 18ના મતગણત્રીઃ લોકોનો મત નક્કી કરશે ગંદા કે ચોખ્ખા રાજકારણની દશા અને દિશા
રાજકોટ, : અમને મત એટલે આપો કે અમારી વિચારધારા આ છે તેવી મુદ્દા આધારિત રાજનીતિને બદલે મત આપો નહીં તો જેને આપશો તેને અમે ખેંચી લેશું તેવી માનસિકતા અને આજે કોંગ્રેસમાં અને કાલે ભાજપમાં તેવા પક્ષપલ્ટાની પરંપરા વચ્ચે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છની ૩૨ નગરપાલિકાઓની તેમજ અન્ય તા.પં.સહિત ખાલી જગ્યાની ચૂંટણી યોજાશે જેના પગલે રાજકારણમાં ભારે ગરમી આવી છે.
રાજકોટ જિલ્લાની 5 ઉપરાંત વાંકાનેરની મધ્યસત્રી ચૂંટણી, જામનગર જિ.ની 3, દ્વારકા જિલ્લાની 3, જુનાગઢ જિલ્લાની સૌથી વધુ 6, સોમનાથ જિલ્લાની 1, કચ્છની 2, અમરેલીની 4, ભાવનગરની 3, બોટાદની 1,મોરબીની 1, સુરેન્દ્રનગરની 1, પોરબંદર જિલ્લાની 2 સહિત 32 નગરપાલિકાઓમાં કે જેમાં મોટાભાગે વહીવટદારનું શાસન હતું ત્યાં રાજકીય પક્ષોનું રાજ આવશે.
તા. 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત સાથે આ પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ, ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સભાઓ ગજવે અને મતદારોને રિઝવવા પોતાના પક્ષના મુદ્દાઓ સમજાવે તેવા દ્રશ્યો બહુ ઓછા જોવા મળ્યા છે તેના બદલે તડજોડનું રાજકારણ વધુ જોવા મળ્યું છે. આજે સાંજે શુષ્ક રહેલા પ્રચાર પડઘમ શાંત થયા હતા.
રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. તા. 18ના મંગળવારે મતગણત્રી સાથે પરિણામ જાહેર થશે. મતદારો મતદાન કરવા માટે એપીક (ચૂટણી ઓળખપત્ર) રજૂ કરી શકશે પણ તે ન હોય અને મતદારયાદીમાં નામ હોય તો ફોટા સાથેના પાસપોર્ટ,ડ્રાઈવીંગ લાયસન્સ, સરકાર કે જાહેર કંપનીઓનું ઓળખકાર્ડ વગેરે કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે.
નગરપાલિકાઓ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને અમદાવાદ, સુરત, ભાવનગરમાં ખાલી પડેલ 3 બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. ઉપરાંત ગુજરાતની 15 નગરપાલિકાઓની 21 ખાલી બેઠકોની તથા તાલુકા પંચાયતોની ખાલી પડેલી 91 બેઠકો અને જિલ્લા પંચાયતોની ખાલી પડેલ 9 બેઠકોની પણ આ જ સાથે ચૂંટણી થશે. ચૂંટણી અન્વયે પોલીસ તંત્રને એલર્ટ કરાયું છે તેમજ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. 16ના કઈ કઈ સુધરાઈની ચૂંટણી થશે
સૌરાષ્ટ્રમાં નીચે મૂજબની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી થશે. : 1.જામજોધપુર, 2.ધ્રોલ, 3. કાલાવાડ, 4.સલાયા, 5.દ્વારકા, 6.ભાણવડ, 7.બાંટવા, 8.માણાવદર, 9.માંગરોળ, 10. વિસાવદર, 11. વંથલી, 12. ચોરવાડ, 13. કોડીનાર, 14 .રાપર, 15 .ભચાઉ, 16 .લાઠી, 17.જાફરાબાદ, 18.રાજુલા, 19.ચલાલા, 20. શિહોર, 21.ગારિયાધર, 22.તળાજા, 23 .ગઢડા, 24 .જસદણ, 25. જેતપુર-નવાગઢ, 26. ધોરાજી, 27. ભાયાવદર, 28. ઉપલેટા, 29. હળવદ, 30. થાનગઢ, 31. કુતીયાણા, 32.રાણાવાવ