યુનિ.ના ૭૩મા પદવીદાન સમારોહમાં ૩૨૫ ગોલ્ડ મેડલ એનાયત કરાશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ૭૩મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંમતિ દર્શાવ્યા બાદ હવે તા.૨૯ ડિસેમ્બરે પદવીદાન સમારોહ યોજાશે તે નિશ્ચિત થઈ ગયું છે.
વાઈસ ચાન્સેલર સમારોહની તારીખ જાહેર કરે તે પહેલા વડોદરાના સાંસદે તેની જાણકારી શનિવારે સોશ્યલ મીડિયા પર શેર કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા આવતીકાલે, સોમવારે પદવીદાન સમારોહ માટેનું સત્તાવાર જાહેરનામુ બહાર પાડવામાં આવશે.આ પહેલા આજે વાઈસ ચાન્સેલરે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રવિવારની રજા હોવા છતા બેઠક બોલાવીને સમારોહના આયોજન અંગે ચર્ચાઓ કરી હતી.જેમાં આવતીકાલે, સોમવારે જાહેરનામુ બહાર પાડવાનું નક્કી કરાયું હતું.
મળતી વિગતો પ્રમાણે આ વખતે પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને ૩૨૫ જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.આ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા જાહેરનામુ બહાર પડયા બાદ સમારોહમાં હાજર રહેવા માટેના ઈ મેઈલ આવતીકાલે, સોમવારે જ મોકલી આપવામાં આવશે. જેથી બહારગામ રહેતા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ પણ ગોલ્ડ મેડલ સ્વીકારવા માટે આવી શકે.
ગત વર્ષે ૩૪૫ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા અને આ વર્ષે ગોલ્ડ મેડલની સંખ્યા ૩૨૫ જેટલી છે.સાથે સાથે ૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયની ડિગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી મળે તેની રાહ જોઈ રહ્યા છે.