ચોરોએ ઠંડીનો લાભ ઉઠાવ્યોઃ લોકર ખોલાવે તે પહેલાં જ સિનિયર સિટિઝનના 32તોલા દાગીનાની ચોરી
એક રાત માટે બહારગામ ગયા અને ચોરોએ ખેલ પાડી દીધાે,જાણભેદુની આશંકા
વડોદરાઃ કડકડતી ઠંડી દરમિયાન લોકો મીઠી નિંદર માણતા હોય ત્યારે ચોર ટોળકી સક્રિય બનતી હોવાના અવારનવાર બનાવ બનતા હોય છે. અકોટામાં ગઇકાલે રાતે એક મકાનને ટાર્ગેટ બનાવનાર ચોરો રૃ.૨૦ લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા.આ બનાવમાં જાણભેદુનો હાથ હોવાની પણ આશંકા નકારી શકાતી નથી.
અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હર્ષદભાઇ વસંતભાઇ શાહે પોલીસને કહ્યંુ છે કે,તા.૧૪મીએ રાતે હું મારી પત્ની તેમજ પુત્રી અને જમાઇની સાથે ભાવનગરના રાજપુરા ગામે ગયો હતો.
બીજા દિવસે તા.૧૫મીએ સવારે દસેક વાગે અમે પરત આવ્યા હતા.પરંતુ ત્યારે અમારા ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને સામાન વેરવિખેર હતો.જેથી તપાસ કરતાં કબાટમાં મુકેલા દાગીના અને રોકડા રૃ.૫૦ હજાર ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
ચોરો સોનાની ચેન,બુટ્ટીઓ,સેટ વગેરે મળી ૩૨ તોલાથી વધુ ના દાગીના અને ચાંદીની ચીજો ચોરી ગયા હતા.જે પી રોડ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લોકર ખોલાવે તે પહેલાં જ દાગીના ચોરાઇ ગયા
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર ખાતે દર્શનાર્થે ગયેલા પરિવારના મોભીએ દિકરીના લગ્ન થઇ ગયા બાદ લોકર ખોલવા માટે પ્રોસેસ કરી હતી.તેમણે બેન્કમાં સંપર્ક પણ કર્યો હતો.પરંતુ શનિ-રવિવાર આવી જતાં આજે સોમવારે તેમને બેન્કમાં જવાનું હતું.પરંતુ તે પહેલાં જ દાગીના ચોરાઇ ગયા હતા.