વડોદરાના 892 ઉદ્યોગોના 2.11 લાખ કર્મચારીઓને 318 કરોડનુ દિવાળી બોનસ ચૂકવાયુ
Image Source: Freepik
વડોદરા, તા. 10 નવેમ્બર 2023 શુક્રવાર
દિવાળી પર્વ સામે છે ત્યારે વડોદરા જિલ્લા તથા શહેરમાં ઔદ્યોગિક એકમો અને વાણિજ્ય એકમોમાં કામ કરતા કામદારોને દિવાળી બોનસ ચૂકવવાનુ શરુ કરવામાં આવ્યુ છે અને તેના કારણે બજારોમાં પણ લોકોની ખરીદી વધી રહી છે અને તેજી જોવા મળી રહી છે.
વડોદરાની વાત કરીએ તો ગત વર્ષની જેમ લેબર વિભાગ દ્વારા દિવાળી પહેલા જ કામદારોને બોનસ મળી જાય તે માટે કવાયત શરુ કરવામાં આવી હતી.જેના ભાગરૃપે વડોદરા પ્રદેશમાં આવેલા ઔદ્યોગિક અને વાણિજ્ય એકમો પૈકી ૮૯૨ સંસ્થાઓમાં ૨,૧૧ લાખ કર્મચારીઓને રૃ. ૩૧૮.૪૬ કરોડની રકમનું બોનસ નિર્ધારત સમય પહેલા જ ચૂકવી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બોનસ ચુકવણી અિનિયમ-૧૯૬૫ હેઠળ ૧૦ કે તેથી વધુ શ્રમિકો-કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ- ફેક્ટરીઓ માટે સ્થાપનાના પાંચ વર્ષ પૂરા કર્યા પછી કાયદાની કલમ-૧૦ મુજબ ઓછામાં ઓછું ૮.૩૩ ટકા અને કલમ-૧૧ મુજબ ૨૦ ટકા બોનસ ચૂકવવું ફરજિયાત છે.
નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૩૦ દિવસ કામ કરનારા શ્રમિક-કર્મચારીને કાયદાની કલમ-૮ હેઠળ બોનસનો લાભ મળે છે અને કલમ-૧૧ની જોગવાઈ પ્રમાણે જે તે હિસાબી વર્ષ પૂરા કર્યાના ૮ માસની અંદર, સંસ્થા-એકમે બોનસની ચુકવણી કરવાની રહેતી હોય છે. મોટાભાગની સંસ્થાઓ/ફેક્ટરીઓ દિવાળી પર્વના સમયે તેમના કર્મચારીઓને બોનસ ચૂકવતી હોય છે.