જામનગર શહેર-જિલ્લામાં 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર : વર્ષ 2023 કરતાં આઠ ટકા વધારો
Jamnagar Heart Attack : જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં હૃદયરોગ સંબંધિત ઇમરજન્સીના 2845 કોલ મળ્યા હતા. જયારે 2024 માં 3072કોલ્સ આવ્યા છે, એટલે આઠ ટકા જેટલા ઉછાળો આવ્યો છે.
હૃદયરોગએ જીવનશૈલી આધારીત રોગ છે, આજકાલ યુવાનો અને બાળકોમાં પણ કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વઘ્યું છે. ઘરમાં બનેલા પોષણક્ષમ આહાર ખાવાને બદલે તળેલો ખોરાક અથવા જંકફુડ ખાવાનું પસંદ કરે છે. આ સિવાય શારીરિક પ્રવૃત્તિને બદલે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. આ કારણે બાળકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળી રહી છે.
વધુ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, અનિયત્રિંત બ્લડ સુગર લેવલ મસાલેદાર ખોરાકનું વધુ પડતું સેવન તેમજ ધ્રુમપાનના કારણે યુવાનોમાં હૃદરયોગના જોખમમાં ઝડપી વધારો થાય છે. યુવાનોમાં વધતા જતાં હૃદયરોગ સંબંધિત કેસો ખરેખર ચેતવણી સમાન છે.
જો યુવાનો પોતાના સ્વાસ્થ્યનું ઘ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં દેશના યુવાધનને ઘણું મોટું નુકશાન થઇ શકે છે. કોવિડ પહેલાની સરખામણીએ હાલમાં 30થી 40 વર્ષની વયના યુવાનોમાં હૃદયરોગના કેસનું પ્રમાણ 20 થી 25 ટકા જેટલું વઘ્યું છે. એકંદરે યુવાન વયે લોકોના હૃદય વૃઘ્ધ થઇ રહ્યા છે. આ લક્ષણો દેખાય તો તરત જ હૃદયની તપાસ કરાવો હાર્ટએટેક આવતા પહેલા દરેક વ્યક્તિમાં અલગ-અલગ લક્ષણો જોવા મળતા હોય છે.
સામાન્ય રીતે મોટાભાગના લોકોને છાતીમાં દુ:ખાવો, ખભામાં દુ:ખાવો, થાક, ઝડપી ધબકારા આવવા, ચાલતી વખતે પગમાં દુ:ખાવો થવો એ પણ હાર્ટ એટેકના લક્ષણોમાનું એક છે.