એમ.એસ.યુનિ.માં ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી લેવા માટેના ફોર્મ જ ભર્યા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાઈ ગયો છે અને તેમાં ૧૩૮૬૨ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની જાહેરાત થઈ ગઈ છે.જોકે ૩૦૦૦ વિદ્યાર્થીઓ એવા છે જેમને પદવીદાન સમારોહ યોજાયા બાદ પણ ડિગ્રી મેળવવા માટે વધારે રાહ જોવાનો વારો આવશે.કારણકે આ વિદ્યાર્થીઓએ ડિગ્રી લેવા માટેના ફોર્મ જ ભર્યા નથી.
મળતી વિગતો પ્રમાણે ૯૫૦૦ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે પદવીદાન સમારોહમાં હાજર રહીને ડિગ્રી લેવા માટે ફોર્મ ભર્યા હતા.આ વિદ્યાર્થીઓની ડિગ્રીઓ ફેકલ્ટીમાં પહોંચાડી દેવામાં આવી છે.આગામી દિવસોમાં ફેકલ્ટીઓ ખાતેથી તેનું વિતરણ થશે.બીજી તરફ ૧૫૦૦ વિદ્યાર્થીઓએ સ્પીડ પોસ્ટનો વિકલ્પ પસંદ કર્યો હોવાથી તેમને ઘરે ડિગ્રી પહોંચાડવામાં આવશે.
જોકે ૩૦૦૦ વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે ફોર્મ ભર્યા જ નથી.હવે આ વિદ્યાર્થીઓ માટે આગામી દિવસોમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવશે અને એ પછી તેમને પરીક્ષા વિભાગમાંથી યોગ્ય પૂરાવા સાથે ડિગ્રી લઈ જવા માટે તારીખ આપવામાં આવશે.સાથે સાથે આ વખતે ડિગ્રીના કાગળની ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા છે કે, કાગળ સાવ પાતળો છે અને ગમે ત્યારે ફાટી જશે તેવી બીક લાગે છે.ડિગ્રી લેમિનેટેડ પણ નથી.જ્યારે પરીક્ષા વિભાગના સૂત્રોનું કહેવું છે કે, ગુણવત્તાવાળા કાગળની ખરીદીને તમામ સિક્યુરિટી ફિચર્સ સાથે ડિગ્રી પ્રિન્ટ કરવામાં આવી છે.