સેવાલિયા રેલવે સ્ટેશનથી પાલી ગામ તરફનો 300 મીટરનો રોડ બિસ્માર
- રસ્તો સુદ્રઢ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
- 18 ગામના લોકોને સ્મશાને, બજારે કે મંદિરે જતી વખતે ખાડામાં પડવા સાથે અકસ્માતનો ભય
સેવાલિયા : ગળતેશ્વર તાલુકાના સેવાલિયા રેલવે સ્ટેશનથી પાલી ગામ જવાનો ૩૦૦ મીટરનો રસ્તો અત્યંત બિસ્માર બનતા ૧૮ ગામોના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ અંગે પાલીના ગ્રામજનોએ રસ્તો સુદ્રઢ બનાવવાની માંગણી સાથેનું આવેદનપત્ર મામલતદાર અને ટીડીઓને આપ્યું હતું.
સેવાલિયા રેલવે સ્ટેશનથી પાલી ગામ તરફનો આશરે ૩૦૦ મીટર રસ્તો અત્યંત બિસ્માર બનતા ૧૮ ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તેથી સ્મશાને નનામી લઈને જતા ડાઘુઓ, સેવાલિયા બજારમાં જતા સંખ્યાબંધ લોકો અને દેવગોડા મંદિરે જતા દર્શનાર્થીઓને ખાડાંઓના લીધે પડી જવાનો અને અકસ્માતનો ભય સતત રહ્યા કરે છે. આસપાસના રહીશો રોડ ઉપર ગંદુ પાણી ધોળી દેવાના કારણે પણ ખાડાં વધુ પડતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. સત્વરે રોડ સુદ્રઢ કરાય તેવી માંગણી સાથે પાલી સહિત આસપાસના ગ્રામજનોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે તંત્રએ આરએન્ડબી પંચાયતના અધિકારીઓને જાણ કરી ઘટતું કરવા માટે હૈયાધારણા આપી છે.