Get The App

તુરખેડા-હાફેશ્વરના ૩૦૦ કુટુંબોને ૧૦ વર્ષથી લાઇટ બિલ જ નથી મળ્યા

ગરીબ પરિવારોને ચિંતા છે કે એક સામટું દશ વર્ષનું બિલ આવશે તો ભરીશું કેવી રીતે?

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
તુરખેડા-હાફેશ્વરના ૩૦૦ કુટુંબોને ૧૦ વર્ષથી લાઇટ બિલ જ નથી મળ્યા 1 - image

નસવાડી,તા.૨૪ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર અને તુરખેડાના ડુંગર વિસ્તારમાં રહેતા પરિવારોને છેલ્લા ૧૦ વર્ષથી મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ બિલ મળ્યા નથી.

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના છેવાડાના ગામ હાફેશ્વર અને તૂરખેડા છે. બંને ગામો નર્મદા કાંઠા ઉપર છે. આ ગામમાં રોજગારી માટે કોઇ ઉદ્યોગ નથી. ફક્ત ચોમાસાની ખેતી ઉપર લોકોનો જીવન નિર્વાહ ચાલે છે. ખેતીમાં સિંચાઇની સુવિધા ના હોવાથી એકજ પાક વર્ષ દરમિયાન આ પરિવારો લઇ શકે છે. ડુંગરોમાં રહેતા પરિવારોને સરકારે વીજળીની સુવિધા આપી છે, પરંતુ વીજમીટરનું રિડિંગ લેવા માટે આવતા કર્મચારીઓ ફક્ત રોડ ઉપર રહેતા પરિવારોના બિલ આપીને જતા રહે છે. તૂરખેડા ગામના ત્રણ અને હાફેશ્વરના ત્રણ ફળિયામાં ૩૦૦થી વધુ પરિવારો રહે છે. હાફેશ્વરના સરપંચ જેન્તીભાઇના જણાવ્યા મુજબ જે પરિવારોના બિલ નથી આવતા તે માટે ક્વાંટ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજી બિલ અપાયા નથી. હાલ આ પરિવારો ચિંતિત છે, કારણ કે ૧૦ વર્ષનું વીજબિલ એક સાથે આવશે તો મોટી રકમ ક્યાંથી ભરશે તે સવાલ છે. મીટર રીડરો ગામ સુધી આવે છે, પરંતુ ડુંગરમાં રહેતા અલગ અલગ ફળિયાઓમાં પગપાળા ચાલીને જવાનું હોય છે, એટલે તેઓ દરેકના ઘરે જતા નથી. જોકે વીજ બિલો નિયમિત આપવાની જવાબદારી વીજકંપનીની છે, પણ અપાતા નથી તે હકીકત છે. તૂરખેડા અને હાફેશ્વર ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સરકારે વીજળી પહોંચાડી દીધી છે અને લોકોએ મીટર લઇ લીધા છે અને હાલ વીજળી વાપરી પણ રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં કેટલી વીજળી વપરાઇ તેની કોઇ ગણતરી લોકો માંડી શકતા નથી.




Google NewsGoogle News