૨૩ વર્ષમાં 30 હજાર ડેડબોડી પોસ્ટ મોર્ટમ માટે તૈયાર કરી
કર્માચારીએ ૩૫ થી વધુ લોકોને આ કામગીરીની તાલીમ આપી
વડોદરા,સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગના કર્મચારીએ ૨૩ વર્ષમાં 30 હજારથી વધુ મૃતદેહોને વાઢકાપ કરી પી.એમ. માટે તૈયાર કર્યા છે.તેમના સાથી તબીબો તેમની કાર્ય કુશળતા જોઈને તબીબી ભણતર અને ડિગ્રી વગરના તબીબ તરીકે તેઓને બિરદાવે છે.
સામાન્ય રીતે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ મોતના કેસમાં પી.એમ. કરવામાં આવે છે. પી.એમ. કરતા પહેલા ડેડબોડીની વાઢકાપ કરવી પડે છે. આ કામગીરી સયાજીના કર્મચારી જગદીશભાઇ છેલ્લા ૨૩ વર્ષથી કરે છે. તેઓ મૂળ બોડેલીના છે. હાલ તેઓ શહેર નજીક ઊંડેરામાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ સયાજી હોસ્પિટલમાં સ્વીપર તરીકેની નોકરી શરૃ કરી હતી. ત્યારબાદ તેઓ પી.એમ. ની કાર્યવાહી હાથ ધરી હતી. ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ તેમણે વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીમાં પોસ્ટ મોર્ટમ વિભાગમાં 30 હજારથી વધુ મૃતદેહોના પી.એમ.ની કાર્યવાહી કરી હતી. ૩૫ લોકોને તાલીમ આપીને ખૂબ અગત્યના કામ માટે તૈયાર કર્યા છે. કોરોના કાળમાં લોકો કોરોનાના જીવતા રોગીને અડકવા તૈયાર ન હતા. ત્યારે તેમણે રોગીઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે જરૃરી વાઢકાપ કરીને તૈયાર કર્યા હતા.