Get The App

ગોંડલનાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં 30 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગ થતાં અફડાતફડી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
ગોંડલનાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં 30  વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગ થતાં અફડાતફડી 1 - image


ગુરૂકુળમાં જ ડોક્ટરોની ટીમ બોલાવી  સારવાર અપાઈ  : નાસ્તામાં ફરાળ લીધા બાદ 60 વિદ્યાર્થીઓ લપેટમાં : 28 પ્રવાસી સત્સંગીઓએ ઢોકળા-સોસ-વેફર ખાધા બાદ તબિયત લથડતાં વીરપુર હોસ્પિટલમાં દાખલ  

ગોંડલ : ગોંડલ બીએપીએસ સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલમાં સવારે નાસ્તામાં ફરાળ ખાધા બાદ અંદાજે પચાસથી સાઇઠ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનની અસર થતા ગુરૂકુલનાં સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. તમામ અસરગ્રસ્તોને ગુરૂકુંળમાં જ સારવાર આપવામાં આવી હતીે. આવી જ રીતે આણંદ, નડિયાદ, ગાંધીનગરથી મંદિરે આવેલા ૨૮ પ્રવાસી સત્સંગીઓએ સવારે ઢોકળા સોસ વેફર ખાધા બાદ ગોંડલથી કાગવડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી હતી. તેઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી રોડ પર આવેલા બીએપીએસ સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલમાં સવારે વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ પચાસથી સાઇઠ જેટલા વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી અને નબળાઇની અસર થતા ગુરૂકુલનાં મુખ્ય સંચાલક નિર્ભયસ્વામી સહિતનાં સંતોએ તાબડતોડ ખાનગી તબીબોને જાણ કરતા મેડીકલ ટીમ સાથે દોડી આવેલા તબીબોએ ગુરૂકુલમાં જ બાટલા ચડાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરી હતી. ગુરૂકુલનાં પ્રવક્તા પરેશભાઈ કાપડીયાએ જણાવ્યું કે આજે એકાદશી હોય સવારનાં નાસ્તામાં ફરાળ અપાયું હતું. દરમિયાન પચ્ચીસથી ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ફુડ પોઇઝનની અસર થતા અને ઝાડા ઉલ્ટી તથા નબળાઇની ફરિયાદ કરતા તુરંત શહેરનાં ખાનગી તબીબોને જાણ કરી બોલાવી લેતાં તબીબોએ ગુરૂકુલ ખાતે સારવાર શરૂ કરી હતી. ગુરૂકુલમાં અંદાજે અઢીથી 3,000  વિદ્યાર્થીઓ અભ્યાસ કર છે. જો કે સંચાલકો દ્વારા પચ્ચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયાનો દાવો કરાયો છે પરંતુ માહિતગાર સુત્રો અનુસાર 50થી60 વિદ્યાર્થીઓને ઝેરી અસર થવા પામી હતી.

આવી જ રીતે ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રી ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓને ફુડ પોઈઝનિંગની અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે 28થી વધુ પ્રવાસીઓની તબિયત લથડતા તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તમામ પ્રવાસીઓએ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ ફ્ડ પોઇઝનિંગની અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે ઢોકળા સોસ વેફર ખાધી હતી. પ્રવાસીઓ આણંદ, નડિયાદ, ગાંધીનગરના છે અને તેઓ ગોંડલથી કાગવડ ખોડલધામ જઇ રહ્યા હતા તે સમયે રસ્તામાં તેમની તબિયત લથડી હતી.


Google NewsGoogle News