Get The App

વધુ એક બસ અકસ્માત : શિરડીથી સુરત જતી બસ પલટી, 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
વધુ એક બસ અકસ્માત : શિરડીથી સુરત જતી બસ પલટી, 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા 1 - image


Bus Accident in Valsad : ગુજરાતના મુસાફરોને 24 કલાકમાં બે મોટા અકસ્માત નડ્યા છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા મંદિરથી સુરત આવતી સદગુરૂ શિવમ નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટ પર બસ પલટી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સહિત 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટના ઢાળ પર બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે બસને પલટાવી દીધી હતી. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક તેઓ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો, રાહદારીઓ, કપરાડા પોલીસની ટીમ અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સની ટીમની મદદથી તમામ ઈજાગ્રસ્તોને કપરાડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી તેમને ધરમપુર સ્ટેટ અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બસમા સવાર મુસાફરોના જણાવ્યા અનુસાર, બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. જેની પાસે ટિકિટ ન હતી તેવા મુસાફરોને પણ બસમાં બેસાડવામાં આવ્યા હતા. બસમાં પહેલાથી જ ખામી હતી, તેમ છતાં ચલાવવામાં આવી રહી હતી. 

આ પણ વાંચો : માઇકા હત્યા કેસઃ પોલીસે જાહેર કર્યો આરોપીનો સ્કેચ, માહિતી આપનારાની ઓળખ ગુપ્ત રખાશે

તાપી નજીક વધુ એક બસ અકસ્માત

તાપી જિલ્લાની બોર્ડર પર શ્રીનાથ કંપનીની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. એક ખાનગી બસ મહારાષ્ટ્રથી સુરત જઈ રહી હતી, તે સમયે મોડી રાત્રે સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમમાં બસચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 18 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતાં.


Google NewsGoogle News