ચોંકાવનારો ટ્રેન્ડ, વડોદરામાં પાંચ વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં 30 જેટલા મગરોના મોત
વડોદરાઃ વડોદરાના શહેરીકરણ અને વિશ્વામિત્રી નદીમાં થયેલા દબાણોના કારણે વિશ્વામિત્રી નદી ભલે સંકોચાઈ હોય પરંતુ તેમાં રહેતા મગરોની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધારો જ જોવા મળ્યો છે.
જોકે તેની સાથે હવે મગરોના થઈ રહેલા રહસ્યમય મોતનો ટ્રેન્ડ પણ ચોંકાવનારો છે.છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં ૩૦ જેટલા મગરોના મોત થયા છે.પણ મોટાભાગના કિસ્સામાં મગરોના મોત પાછળનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી.તાજેતરમાં શહેરના કીર્તિ મંદિર પાછળથી વહેતી વિશ્વામિત્રી નદીમાં એક સાથે બે મગરોના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી અને તેના કારણે મગરોના થઈ રહેલા મોતનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
વન વિભાગ દ્વારા આ મગરોના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ મગરોના મોતનું પ્રાથમિક કારણ સામે નહીં આવતા વિસેરા માટે સેમ્પલને સુરત અને આણંદ મોકલવામાં આવ્યા હતા.
શ્રેયા કાલરિયા નામના બાયો સાયન્ટિસ્ટે પોતાના રિસર્ચના ભાગરુપે વિશ્વામિત્રીમાં રહેતા મગરોના મળમૂત્રના અવેશષોનુ એનાલિસિસ કર્યું હતું અને તેમના તારણ અનુસાર મગરોને કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન હોવાનું જણાયું નહોતું.તેમના આંતરડા સ્વસ્થ હોવાનું અનુમાન આ એનાલિસિસના આધારે થયું હતું.તેમનું આ સંશોધન ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઈન બાયોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત થયું હતું.
સૂત્રોનું કહેવું છે કે, મગરોની વધી રહેલી વસતી વચ્ચે મોતનું કારણ કુદરતી હોવાની પણ શક્યતા છે.હવામાનમાં બદલાવના કારણે શિયાળામાં પૂરતા સૂર્યપ્રકાશની ઉણપ પણ એક કારણ હોઈ શકે છે.તાજેતરમાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે બે મગરોના મોત બાદ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે, પૂરના ધોવાણ અને દબાણોના કારણે મગરો માટેના બાસ્કિંગ પોઈન્ટ( તડકો ખાવાના સ્થળો) ઓછા થઈ રહ્યા છે અને મગરો શરીરને પૂરતી ગરમી આપી ના શકતા હોય અને તેના કારણે તેમના મોત થઈ રહ્યા છે કે કેમ તેની તપાસ પણ થવી જોઈએ.