મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નસબંધીના 30,542 ઓપરેશન, પુરૂષોની સંખ્યા માત્ર 52
Mehsana News : ખોટી રીતે પુરૂષ નસબંધીના વિવાદમાં ઘેરાયેલા મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં આરોગ્ય વિભાગ દ્વારા પુરૂષ અને સ્ત્રી મળીને કુલ 30542 નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના 10 તાલુકા પૈકી સૌથી વધુ મહેસાણા તાલુકામાં 3300 અને સૌથી ઓછા જોટાણા તાલુકામાં 551 નસબંધીના ઓપરેશન નોંધાયા છે. બે વર્ષના ગાળામાં સમગ્ર જિલ્લામાં માત્ર બાવન પુરૂષોના નસબંધી ઓપરેશન કરવામાં સફળતા મળી છે.
સૌથી વધુ ઓપરેશન મહેસાણામાં અને સૌથી ઓછા જોટાણા તાલુકામાં
ગુજરાત વિધાનસભામાં પાટણના કોંગી ધારાસભ્ય કીરીટ પટેલ દ્વારા પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મહેસાણા જિલ્લામાં વર્ષ 2023 અને 2024ના બે વર્ષના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા નસબંધી ઓપરેશનની કરવામાં આવેલી કામગીરીના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે, વર્ષ 2023 અને 2024ના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 30542 નસબંધીના ઓપરેસન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં પુરૂષ નસબંધીના માત્ર બાવન કેસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
તાલુકાવાર નોંધાયેલા નસબંધીના ઓપરેશનના આંકડાઓ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો, પાછલા બે વર્ષના સમયગાળામાં બેચરાજી તાલુકામાં 1776, જોટાણા તાલુકામાં 1185, કડી તાલુકામાં 5263, ખેરાલુ તાલુકામાં 1696, મહેસાણા તાલુકામાં 7397, સતલાસણા તાલુકામાં 1604, ઊંઝા તાલુકામાં 1654, વડનગર તાલુકામાં 2380, વિજાપુર તાલુકામાં 3744 અને વિસનગર તાલુકામાં 3841 મળી કુલ 30542 કેસોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખપાત્ર છે કે, મહેસાણા જિલ્લામાં વર્ષ 2023માં 4 પુરૂષ અને 16953 સ્ત્રી સહિત કુલ 16957 નસબંધી ઓપરેશન કરાયા હતા. તેની સામે વર્ષ 2024ના એક વર્ષ દરમિયાન 3372 કેસો ઓછા થઈને 13585 નસબંધીના કેસો નોંધાયા હતા.
ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસ ચાલુ
કડી તાલુકાના બોરીસણા ગામમાં ત્રણેક માસ અગાઉ અમદાવાદની વિવાદાસ્પદ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પ કર્યા બાદ 19 દર્દીઓને વધુ સારવાર માટે લઈ જવાયા હતા.જેમાંથી 7 લોકોના એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન જરૂર ન હોવા છતાં કરી દેવાતાં તબીયત લથડી હતી અને અત્યારસુધીમાં એક જ ગામના 3 વ્યકિતઓએ પોતાના જાન ગુમાવતાં વિવાદ સર્જાયો હતો.