Get The App

3 મહિલાઓએ મળી યુવાન પાસેથી 1.25 લાખની મત્તા પડાવી ફરાર

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
3 મહિલાઓએ મળી યુવાન પાસેથી 1.25 લાખની મત્તા પડાવી ફરાર 1 - image


ગાંધીધામમાં ફરી લૂટેરી દુલ્હને યુવકને લૂંટી લીધો 

મહારાષ્ટ્રની યુવતીઓ દ્વારા કરાયુ કૃત્ય, દલાલ મહિલા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ 

ગાંધીધામ: ગાંધીધામના સુંદરપુરીમાં છૂટાછેડા થયેલા વેપારીએ મહિલા દલાલને વચ્ચે રાખી મહારાષ્ટ્રની યુવતી સાથે ફરી વખત લગ્ન કર્યા હતા. જે બનાવમાં યુવતી તેની બહેન અને મહિલા દલાલે એક સંપ કરી વેપારી પાસેથી રૂ. ૧.૨૫ લાખ પડાવી લઈ ભાગી ગઈ હતી. જે અંગે ત્રણ મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

ગાંધીધામનાં નવી સુંદરપુરી રહેતા અને સિલાઈ કામ કરતા ૪૧ વર્ષીય દિનેશભાઈ દામજીભાઈ સથવારાએ ફરિયાદ નોંધાવી હતી કે,તેમના પ્રથમ લગ્નમાં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેમનું સીલાઈનું કામ ચાલતું હોવાથી તે સમયે આરોપી પ્રકાશબા (રહે. દુકાન સામે, નીલકંઠ મંદીરની સામે, નવી સુંદરપુરી) એ કપડા સીવડાવવા માટે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે તેમના ધ્યાનમાં એક છોકરી છે. જો લગ્ન કરવા હોય તો. તે અનુસાર પ્રકાશબાએ સવિતા તથા ગુંજનને લઈ આવેલી અને સવિના લગ્ન તુટી ગયા હોવાનું જણાવી, જો તેની સાથે મેળ બેસે તો લગ્ન કરાવવાની વાત કરી હતી. જે અંગે ફરિયાદીએ હા પાડી હતી. પરંતુ વાત આટલેથી અટકી નહતી. ત્યારબાદ ૨૬-૭-૨૦૨૪ના જ્યારે ફરિયાદી તેમના બનેવી અને બહેન તેમજ સગા વ્હાલા સાથે પ્રકાશાબાના ઘરે લગ્નની વાત લઈને ગયા ત્યારે ગુંજને જણાવ્યું કે તેવી બે બહેનો એકલી છે અને પરિવારમાં કોઈ માતા-પિતા નથી જેના કારણે લગ્નનો ખર્ચો આપો તો થઈ શકસે. જેને પણ માન્ય રાખીને આરોપી ૨૪ વર્ષીય સવિતા શૈલેશ ઈંગલે રહે. મુળ સીમ ટીકલી, નાગપુર મહારાષ્ટ્ર સાથે કાયદેસર લગ્ન કર્યા અને લગ્નની ગાંધીધામ નગરપાલિકામાં નોંધણી પણ કરાવી હતી. લગ્ન બાદ ફરિયાદીની સાળી ગુંજનએ સુરત રહેતી હોવાથી પૈસા લઈ ઘરેથી ચાલી ગઈ અને જતા જતા કહ્યું કે હવે કોઈ ચિંતા કરવાની નહી. મારી બહેન તમારો સંસાર ચલાવશે. પરંતુ ત્યારબાદ પત્નીએ કહ્યું કે મને દાગીના જોઈએ છીએ. જે માટે તીજોરીની ચાવી આપીને ઘરવખરી માટે ૩૦ હજાર રોકડા અને ચાંદીના સાકરાની જોડી સહિતની વસ્તુઓ તેમજ રૂ. ૧૫ હજારની રાખવા માટે આપ્યા હતા. પરંતુ ત્યારબાદ તા. ૧૦-૮ના બપોરે ફરિયાદી માતાના ઘરે સુતા હતા ત્યારે પત્ની સવિતા દુકાને જવાનું કહીને ઘરેથી નિકળી ગયેલી અને ત્યારબાદ ઘણો સમય વિત્યા અને સગા વ્હાલાઓમાં તપાસ કર્યા બાદ પણ પતો લાગ્યો નહતો. જે બાદ ફોન કર્યો તો સવિતાએ કહ્યું કે તમારા રૂપીયા પડાવવાનો અમારો પ્લાન હતો, તમારા રૂપીયા પરત આપીશું નહીં આમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. જેથી ત્રણેય મહિલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 


Google NewsGoogle News