ફેંક એપથી વેપારીઓને ચુનો લગાવતા સુરતનાં દંપતી સહિત 3 પકડાયા
બંટી-બબલી ફિલ્મ સ્ટાઇલથી ઠગાઇ કરતા હતા ફરવા આવ્યાનું અને રોકડ પુરી થયાનું કહી વેપારી પાસેથી રોકડ લઈ તે પણ ફેંક એપનો ખોટો મેસેજ બતાવતા
જૂનાગઢ, : જૂનાગઢ સહિત પાંચ સ્થળે દુકાનમાં ખરીદી કરી તેમનું પેમેન્ટ ફેક એપ મારફત કરી તેના ટ્રાન્જેક્શનનો મેસેજ બતાવી વેપારીઓને ચુનો લગાવતા સુરતના બંટી- બબલી દંપતી સહિત ત્રણ વ્યક્તિને પોલીસે પકડી લઈ 6.39 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ શહેરના મીરાનગરમાં રહેતા અને એમજી રોડ પર નાઈટ વેરની દુકાન ધરાવતા હેમંતભાઈ હરપાલભાઈ રીજવાણી તા. 23ના તેની દુકાને હતા ત્યારે એક દંપતિ આવ્યું હતું. તેણે 10,700 રૂપીયાના કાપડની ખરીદી કરી હતી અને પોતે અમદાવાદથી આવતા હોવાથી રોકડ ખતમ થઈ ગઈ છે, વધારાના 3,000 રૂપીયા આપો અમે તમને ઓનલાઈન પેમેન્ટ કરી આપશું તેમ કહેતા વેપારીએ વિશ્વાસમાં આવી જઈ 10,700 કાપડ ઉપરાંત ૩ હજાર રોકડા આપ્યા હતા. આ દંપતિએ ફેક ફોન પે નામની એપ પરથી સ્કેનરનાં સ્કેન કરી ૧૩,૭૦૦નો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સક્સેસ થયાનો ખોટો મેસેજ બતાવી નાસી ગયા હતા. વેપારીના ખાતામાં આ રકમ આવી ન હતી આથી તેણે ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી. એ ડીવીઝન પીઆઈ આર.કે. પરમાર સહિતના સ્ટાફે બાતમીના આધારે સુરતના પુણા ગામની સત્યનારાયણ સોસાયટીમાં આવેલા કેવટ એપાર્ટમેન્ટમાં રહેતા રાધિકા દેવાંગ પઢીયાર, તેનો પતિ દેવાંગ જગદિશ પઢીયાર અને ભાવેશ વિનુ ચાંગેલાને પકડી લઈ પૂછપરછ કરતા આ બંટી-બબલી સહિત ત્રણેયની ટોળકીએ ફેક ફોન પે એપ મારફત નાણાંનું ટ્રાન્ઝેક્શન થયાનો ખોટો મેસેજ બતાવી છેતરપિંડી કર્યાની કબુલાત આપી હતી. ઈન્ચાર્જ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુગલ પે, ફોન પે તથા એટીએમ જેવી ઓનલાઈન એપ મારફત નાણાંકિય લેતીદેતી વખતે એકાઉન્ટ તથા બેંક મારફત આવતા મેસેજ પરથી ખરેખર નાણાં જમા-ઉધાર થયા છે કે કેમ તેની ખરાઈ કરવી જરૂરી છે. જો આમ થશે તો આવી ટોળકીનો ભોગ બનતા અટકાવી શકાશે. પોલીસે બે મોટર કાર, ત્રણ મોબાઈલ સહિત કુલ 6.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.