વાસદ નજીક મહીસાગર નદીમાં ડૂબી જતાં 2 બાળકો સહિત 3 ના મોત
- માછીમારી કરવા ગયેલા કાછલાપુરાના આધેડની બોટ અચાનક પલટી
- ભૂમાફિયાઓના રેતી ખનનના લીધે ઊંડા ખાડા પડયાનો આક્ષેપ પરિવારનો હોબાળો મચાવી લાશ સ્વીકારવાનો ઈનકાર
વાસદના કાછલાપુરા ગામે રહેતા નગીનભાઈ ગામેજી તેમના દીકરા આયુષ (ઉં.વ.૯) અને ભત્રીજા મિહિર (ઉં.વ.૧૨) સાથે બોટ લઈને મહીસાગર નદીમાં માછીમારી કરવા ગયા હતા. અચાનક બોટ પલટી ખાઈ જતાં બોટમાં સવાર બંને બાળકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. નગીનભાઈએ બંને બાળકોને બચાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ પણ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસમાં માછીમારી કરી રહેલા અન્ય લોકો નદી કિનારે ઉમટી પડયા હતા અને વાસદ પોલીસને જાણ કરી હતી. વાસદ પોલીસ અને આણંદ ફાયર વિભાગની ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ નદીમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે પિતા-પુત્ર અને ભત્રીજાના અવસાનના કારણે પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા. વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. વાસદ નજીકથી પસાર થતી મહીસાગર નદીના કિનારે વસતા અનેક પરિવારો માછીમારી કરી ગુજરાન ચલાવે છે.
છેલ્લા ઘણા સમયથી ભૂ-માફિયાઓ દ્વારા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાથી ઉંડા ખાડા પડી જવાના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે, ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાના બદલે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પરિવાર સહિત સ્થાનિકોએ લગાવ્યા હતા.
વાસદ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબ પણ અનેક વખત ફરજકાળ દરમિયાન ગેરહાજર રહેતા હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો કરી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જોકે, પોલીસની સમજાવટને પગલે મામલો થાળે પડતા આખરે પરિવારજનોએ મૃતદેહો સ્વીકાર્યા હતા.