જીરા સોડા પીધા પછી ત્રણ યુવકોના પાંચ મિનિટમાં મોત: નડિયાદમાં સોડાકાંડ કે કેમિકલકાંડ?
3 People Die in Nadiad: નડિયાદ ટાઉનના જવાહરનગર વિસ્તારમાં બુટલેગરના ત્યાંથી દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોવાનું મૃતકોના પરિવારજનો વારંવાર કહી રહ્યાં છે. પરંતુ, ખેડા જિલ્લા પોલીસ વડા આ ઘટના લઠ્ઠાકાંડની નહીં પરંતુ સોડા પીવાના કારણે મૃત્યુ થયાનું કહી રહ્યા છે.
દોઢ વર્ષમાં 10 નશાખોરોએ જીવ ગુમાવ્યા
પોલીસને એવી વિગતો મળી છે કે, મૂકબધિર મૃતક કનુભાઈ સોડાની બોટલ લઈને આવ્યા હતા. 200મિ.લી.ની સોડા બોટલ ત્રણ લોકો પીવે અને ત્રણેયના મૃત્યુ થાય છે. તેમા કોઈ કેમિકલ ભેળવાયાની મજબૂત આશંકાથી કેમિકલકાંડ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ખેડા-આણંદ જિલ્લામાં નશાખોરીથી 10 લોકોએ જીવ ખોયાં છે ત્યારે ઊંડી તપાસ જરૂરી છે. નડિયાદના જવાહરનગર વિસ્તારમાં દેશી દારૂના બંધાણી કનુભાઈ ચૌહાણ, યોગેશ કુશવાહા અને રવિન્દ્ર રાઠોડ નામના શ્રમિકોના નશીલા પદાર્થના સેવન બાદ શંકાસ્પદ મૃત્યુ થતાં તેમના પરિવાર દેશી દારૂ પીધા બાદ મૃત્યુના આક્ષેપ કરે છે.
જીરા સોડા પીધા પછી પાંચ મિનિટ તરફડિયાં ખાઈ મૃત્યુ
આ મામલે ખેડા-આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, ત્રણેય ઈસમોએ જીરા સોડાની એક બોટલમાંથી પ્રવાહી પીધા બાદ ત્રણેય લોકો એક બાદ એક પાંચથી સાત મિનિટના અરસામાં લથડિયા ખાવા લાગ્યા અને ઢળી પડ્યા હતા. સોડા પીધા બાદ માત્ર પાંચેક મિનિટમાં આ પ્રકારનું રિએક્શન આવવાથી કથિક સોડામાં ઝેરી દ્રવ્ય અંદર ભેળવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરી પોલીસ વડાએ પોલીસ ટીમો તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ઘટનાના પગલે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવી હતી. નડિયાદ એસઓજી, એલસીબી અને ટાઉન પોલીસ સહિતની ટીમો મોડી રાત સુધી દોડતી રહી હતી. બુટલેગરોને પણ રાઉન્ડઅપ કરીને તપાસ આદરી હતી.
પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે
જિલ્લા પોલીસ અધિક્ષકે લોહીના સેમ્પલોના રીપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ ન હોવાની અને ઈથેનોલનું સામાન્ય પ્રમાણ હોવાની સ્પષ્ટ વાત કરી હતી. બીજી તરફ, ત્રણ મૃતકો પૈકીના એક કનુભાઈ કે જે બહેરા-મુંગા છે તે દાવત લખેલી 200 મિ.લી.ની સોડા બોટલ લાવ્યા હતા તે પીધા પછી ત્રણેયના મૃત્યુ નિપજ્યા હતા. મિથેનોલ અને ઈથેનોલથી તે સંજોગોમાં સોડા સાથે કયું કેમિકલ ભેળવવામાં આવ્યું અથવા તો સોડા પીધા પહેલાં કોઈ બીજી વસ્તુનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
ગુજરાત પોલીસ સક્રિય બની
ગાંધીનગરથી ઉચ્ચ પોલીસ સૂત્રો કહે છે કે, આ પ્રકારે જીરા સોડા પીધા પછી નશાના બંધાણી એવા ત્રણ લોકોના મૃત્યુ ક્યા કારણે નિપજ્યાં તે મુદ્દો ગુજરાત પોલીસ માટે પણ મહત્ત્વનો છે. અગાઉ સિરપકાંડ સર્જાયો તેમાં 7 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. ઝેરી બનેલા સિરપના વેચાણ ઉપર નોંધપાત્ર અંકુશ મેળવાયો છે અને હવે સોડાકાંડ કે કેમિકલ કાંડ? તેની તપાસ કરીને આ પ્રકારના જીવલેણ નશા ઉપર અંકુશ મેળવવા ગુજરાત પોલીસ સક્રિય બની છે.