ખેડા જિલ્લામાં અકસ્માતના વિવિધ 3 બનાવમાં 3 વ્યક્તિના મોત
- રાસ્કા અને ભૂમેલ રોડ ઉપર બાઈક સવારના મોત
- સિંઘાલી ભાગોળે એક્ટિવાને ટક્કર મારતા ટ્રેક્ટર નીચે આવી જતા કિશોરીનું મૃત્યુ નિપજ્યું
આણંદ તાલુકાના મોગરીમાં રહેતા મનીષાબેન કલ્પેશભાઈ રોહિત વેકેશન હોવાથી સંતાનોને લઈ સિંઘાલી ગામે ભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ રોહિતના ઘરે આવ્યા હતા. દરમિયાન તા.૨૭મીએ સવારે મનીષાબેનની દીકરી વર્ષા એકટીવા લઈ બજારમાં આઈસ્ક્રીમ લેવા ગઈ હતી. ત્યારે પાટીદાર વાડી સામે ચિરાગભાઈ પાસે કંકોત્રી લેવા વર્ષા એકટીવા લઈને ઉભી હતી. ત્યારે પૂરઝડપે આવેલા ટ્રેક્ટરે ટક્કર મારતા વર્ષાબેન કલ્પેશભાઈ રોહિત (ઉં.વ.૧૦) ટ્રેકટર નીચે આવી ગઈ હતી. જેથી તેને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં વર્ષાબેનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રવીણભાઈ રમેશભાઈ રોહિતની ફરિયાદ અત્યારે મહુધા પોલીસે ટ્રેક્ટર ચાલક વેદ કુમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.નડિયાદ મરીડા રોડ હિદાયતનગરના સાહિલ ઈસ્માઈલભાઈ ચકલાસીયા અને અબરાર આબીદભાઈ અલાદ (રહે. ઉર્દુ સ્કૂલ, નડિયાદ) બંને ગઈકાલે રાત્રે ચા- નાસ્તો કરી પરત ફરતા હતા. ત્યારે ભૂમેલ ચોકડી એસએનવી સ્કૂલ સામે વળાંક પર બાઈક સ્લીપ થઈ જતા બંનેને ઈજા થતા નડિયાદ સિવિલમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્ત સાહિલ ઈસ્માઈલભાઈ ચકલાસીયા (ઉં.વ.૨૨)નું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે અબરાર આબીદભાઈ અલાદની ફરિયાદના આધારે વડતાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્રીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના રોહિસામાં રહેતા પ્રહલાદભાઈ માધાભાઈ રાવળ અને લાલાભાઇ મનુભાઈ પરમાર ગઈકાલે રાત્રે રાસકા ગામે માતાજીના માંડવામાંથી પરત ફરતા રાસ્કા બસ સ્ટેન્ડ નજીક નેનપુર ચોકડી તરફથી આવતી આઇસર ગાડીએ ટક્કર મારતા બાઇક સવાર બંનેને ઈજા થઈ હતી. ૧૦૮ના મેડિકલ ઓફિસરે લાલાભાઇ મનુભાઈ પરમાર (ઉં.વ.૨૮)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પ્રહલાદભાઈ માધાભાઈ રાવલની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે આઇસરના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.