મકાનના ફળિયામાં છુપાવેલી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા
- શહેરના સિદસર રોડ સ્થિત મકાનમાં પોલીસે પાડયો દરોડો
- દારૂ, કાર તથા મોબાઈલ મળી રૂા. 14.90 લાખનો મુદ્દામાલ જપ્ત : રાજસ્થાનના ઝાલોરના શખ્સે માલ મોકલ્યાનું ખુલ્યું
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર પોલીસના લોકલ ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળી હતી કે, નિતેશ ઉર્ફે નીતીન હકાભાઇ વાઘેલા તથા રાહુલ હકાભાઇ વાઘેલા (રહે.બંન્ને આખલોલ જકાતનાકા, સ્વપ્નસાકાર સોસાયટી, ભાવનગર )તથા જયપાલ નરેશભાઇ ચાવડા ( રહે.સીદસર રોડ, હીલપાર્ક, મુળગામ રહે.તણસા તા.ઘોઘા ) વાળા તેની સફેદ કલરની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી નં.જીજ.૧૮.ઈબી.૪૪૫૬માં ગેર કાયદેસર ઇગ્લીંશ દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવ્યા છે. અને તે દારૂ ભરેલ કાર લીલાસર્કલથી સીદસર જવાના રોડ ઉપર ભાડેથી રહેતાં જયપાલ નામના શખ્સના મકાનનાં ફળીયામાં સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો કરી સ્થળ પર તલાશી લેતા વિદેશી દારૂની ૧૪૦૪ બોટલ મળી આવી હતી. પોલીસે નિતેશ ઉર્ફે નીતિન હકાભાઇ વાઘેલા ( ઉ.વ.૨૬ ),રાહુલ હકાભાઇ વાઘેલા (ઉ.વ.૨૫ ) તથા જયપાલ નરેશભાઇ ચાવડા (ઉ.વ.૨૮ )ને દારૂની બોટલ ૧૪૦૪ કિંમત રૂા.૨,૭૫,૮૯૨ ,એક ર્સ્કોપિયો કાર કિંમત રૂા.રૂ.૧૨ લાખ અને મોબાઈલ રૂા.૧૫ હજાર મળી કુલ રૂા.૧૪,૯૦,૮૯૨ નાં મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી.પકડાયેલ ત્રણે શખ્સે પૂછપરછ દરમિયાન રાજુરામ સોગારામ વિશ્નોઇ (રહે.પમાણા ગામ, પાલવાડી, જી.ઝાલોર, રાજસ્થાન) પાસેથી દારૂનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પેરોલ ફર્લો સ્કવોર્ડે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સ વિરૂધ્ધ પ્રોહીબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.