રાજકોટમાં એક દિવસમાં વધુ 3 વ્યક્તિના હાર્ટ બંધ પડી ગયા
સરકારી તંત્રની કારણ શોધી નિવારણમાં ઉદાસીનતા : ભીચરી ગામમાં કોલેજના ડ્રાઈવર, જશરાજનગરમાં મહિલાને હાર્ટ એટેક : હવે પ્રૌઢના મૃત્યુનું પ્રમાણ વધારે
રાજકોટ, : હાર્ટ એટેક સહિત હૃદય સંબંધી બિમારીના કેસો શિયાળામાં દર વખતે વધતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ વખતે હજુ કાતિલ ઠંડી તો પડી નથી છતાં હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે. રાજકોટમાં આજે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ પોલીસમાં જાહેર થયા છે. જો કે આ સિલસિલો લાંબા સમયથી ચાલીરહ્યો છે અને તેના નિવારણ માટે ઓટોપ્સી, ફોરેન્સીક પી.એમ.કરાવીને તારણ શોધવા આઈ.એમ.એ.દ્વારા સરકારને અપીલ-રજૂઆતો કરાઈ છે છતાં આ દિશામાં આગળ કાર્યવાહી કરાઈ નથી.
પોલીસ સૂતરો અનુસાર રાજકોટ નજીક ભીચરી ગામમાં શુક્લા કોલેજના ક્વાર્ટરમાં રહેતા જીવાભાઈ લઘરાભાઈ લેલા (ઉ.વ. 49) ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને તે આજે ઘરે બેભાન થઈ જતા સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયા હતા. હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પોલીસ તપાસનું તારણ છે. જ્યારે કિરણબેન કિશોરભાઈ અઘેરા (49 રહે.જસરાજનગર, બાપા સિતારામ ચોક પાસે, મવડી) ગઈકાલે તેમના ઘરે અચાનક બેભાન થઈ જતા હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું તાલુકા પોલીસ મથકમાં જાહેર થયું છે. ત્રીજા બનાવમાં એક મહિલાને બ્લડ પ્રેસરની બિમારીથી મૃત્યુ થયાનું તારણ નીકળ્યું છે.
હાર્ટ એટેકના બનાવો યુવાનો ઉપરાંત હાલ પ્રૌઢમાં તેનું પ્રમાણ ચિંતાજનક જોવા મળી રહ્યું છે. તબીબી સૂત્રો અનુસાર અચાનક ઠંડી વર્તાય ત્યારે હૃદયને લોહી પહોંચાડતી નળી સાંકડી થતી હોય હાર્ટ એટેકનું જોખમ વધતું હોય છે.