Get The App

વડોદરામાં અટલાદરા-માંજલપુર રેલવે ઓવર બ્રિજનું કામ પૂર્ણ થતાં હજુ ત્રણ મહિના વીતી જશે

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
વડોદરામાં અટલાદરા-માંજલપુર રેલવે ઓવર બ્રિજનું કામ પૂર્ણ થતાં હજુ ત્રણ મહિના વીતી જશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા-માંજલપુર રોડલાઇન ઉપર માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા જતા 36 મીટરની રોડલાઇન પર મુંબઈ અમદાવાદ બ્રોડગેજ લાઈન ઉપર આશરે 41 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. બ્રિજની હજુ કામગીરી બાકી હોવાથી પૂર્ણ થતાં ત્રણ ચાર મહિનાનો સમય વીતી જાય તેવી શક્યતા છે. 

રેલ્વે વિભાગ દ્વારા બ્રિજના વચ્ચેના ભાગની કામગીરી માટે રેલ્વે દ્વારા અગાઉ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ પાણીની લાઈન સહિતના કારણોસર ડિઝાઈનમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારેલી ડિઝાઇન રેલવે વિભાગ દ્વારા મંજૂર થાય ત્યાર પછી કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થતા તેને લીધે પણ વિલંબ થયો હતો. રેલ્વે દ્વારા બ્રિજ પર રેલવેના ભાગમાં સ્પાનની કામગીરી ઓક્ટોબરમાં પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ આ સ્પાન સાથે કોર્પોરેશનના બ્રીજના અપ્રોચ ભાગનું જોડાણ કામ બાકી છે. આ કાર્ય પૂર્ણ થતા કાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

બ્રોડગેજ લાઈન પર રેલવે વ્યવહાર સતત ચાલુ હોવાથી તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી પડતી હતી. રાજ્ય સરકાર તથા રેલ્વે વિભાગ દ્વારા 50-50 ટકા કોસ્ટ શેરિંગથી આ બ્રિજની કામગીરી કરવામાં આવી છે. બ્રિજની લંબાઈ આશરે 797.90 મીટર, પહોળાઈ 16.80 મીટર છે .જેમાં 7.50 મીટરના બે કેરેજ-વેનો સમાવેશ થાય છે. ચાર વર્ષ અગાઉ બ્રિજના કામની કોર્પોરેશનમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ટેન્ડરમાં કામગીરીની સમય મર્યાદા ચોમાસા સિવાય 18 મહિના રાખવામાં આવી હતી. જો કે આ બ્રિજ માટે જમીન સંપાદનનો પ્રશ્ન પણ કોર્પોરેશન માટે અડચણરૂપ હતો. જમીન સંપાદન ન થતા બ્રિજનું કામ અટકેલું હતું. વર્ષ 2022 ના અંતિમ સમયમાં રોડ લાઈનમાં આવતી જમીનના માલિકો સાથે કોર્પોરેશને બેઠક કરી હતી. જમીનમાં પ્લોટ વેલીડેશન કરી માલિકોને 60 ટકા મુજબ વેલીડેશન કરી આપ્યું હતું. તેઓએ 40 ટકા કપાત જગ્યા જાહેર જનતા માટે કોર્પોરેશનને સુપ્રત કરી હતી. જેથી સંપાદનનું વિઘ્ન દૂર થયું હતું. કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટ સમયે પણ જણાવ્યું હતું કે બ્રિજની કામગીરી જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ બનતા અને રોડ ખુલ્લો થતાં માંજલપુર તથા શહેર વિસ્તારના રહીશોને અટલાદરા, કલાલી તથા પાદરા તરફ જવા સરળતા રહેશે.


Google NewsGoogle News