બેડવા ગામમાં એમજીવીસીએલના કર્મચારી ઉપર 3 શખ્સોનો હુમલો
અમારૂ ડીજે બળી જાય છે તેમ કહી
ફીડરમાં ફોલ્ટ હોવાથી વીજ પ્રવાહ બંધ કરતા કર્મચારીને માર મારી મોબાઈલ તોડી નાખ્યો
આણંદના મોગર ગામે રહેતા હાર્દિકસિંહ કિરીટસિંહ મહિડા બેડવા એમજીવીસીએલમાં સર્વિસ મેન તરીકે ફરજ બજાવે છે. બુધવારે નવજીવન ફીડરમાં ફોલ્ટ સર્જાયો છે, જેથી બેડવા તરફ જતી લાઈનની સ્વીચ બંધ કરવા વાયરમેનનો ફોન આવતા હાર્દિકસિંહે સ્વીચો બંધ કરી હતી. બાદમાં ફીડરનો ટ્રાયલ લેતા તે બંધ હોવાથી તે બેડવા ગામે સંતોષી માતાના મંદિર પાસે પહોંચ્યા હતા.
ત્યારે રણજીતભાઈ રઈજીભાઈ ખાંટ, ભરતભાઈ રાવજીભાઈ પરમાર અને ભોલો જગદીશભાઈ પરમારે ત્યાં આવી, તમે લાઈટ ચાલુ-બંધ કેમ કરો છો, અમારૂં ડીજે બળી જાય છે, તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્રણેય શખ્સોએ બોલાચાલી કરતા હાર્દિકસિંહ બાઈક પર બેસીને નીકળવા જતા હતા.
ત્યારે એક શખ્સે તેમના બાઈકની ચાવી કાઢી લીધી હતી અને બાઈકમાં કારેલી ઓપરેટિંગ રોડ કાઢીને તેને માર માર્યો હતો. તેમજ ગડદાપાટુનો માર મારી તેના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને રોડ પર પછાડતા મોબાઈલ પણ તૂટી ગયો હતો. આ અંગે ખંભળોજ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.