ઓખા નજીક શંકાસ્પદ બોટમાંથી 3 ઇરાની નાગરિક પકડાયા, હેરોઈન જપ્ત

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
ઓખા નજીક શંકાસ્પદ બોટમાંથી 3 ઇરાની નાગરિક પકડાયા, હેરોઈન જપ્ત 1 - image


LCB, SOG , મરિન પોલીસનું સિગ્નેચર બ્રિજ પાસે ચેકિંગ : 3 ઇરાની નાગરિક સહિત 5 શખ્સોને ઝડપી લઇ ઇરાની રીયાલ ચલણ, સેટેલાઈટ ફોન, 15 ATM કાર્ડ કબજે કરાયા

ખંભાળીયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે રાત્રિના સમયે ઓખા નજીકના સિગ્નેચર બ્રિજ પાસેથી શંકાસ્પદ બોટમાં ચેકિંગ દરમિયાન ત્રણ ઈરાની નાગરિકો તેમજ એક ભારતીય મૂળના શખ્સ સહિત કુલ પાંચ આરોપીઓને દબોચી લઈ, આ શખ્સો પાસેથી માદક પદાર્થ, સેટેલાઈટ ફોન, ઈરાની ચલણ, જી.પી.એસ. ડીવાઈસ, પાસપોર્ટ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા સાંપડેલી સિલસિલાબંધ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત શંકાસ્પદ દરિયાઇ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતા ઓખા મરીન વિસ્તારમાં ગતરાત્રિના સમયે જિલ્લા પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયા તથા જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખાના દરિયા પાસે આવેલા સિગ્નેચર બ્રિજ હેઠળ એક શંકાસ્પદ બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેના અનુસંધાને ઓખા મરીન પોલીસ સ્ટાફ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની ટીમે મોડી રાત્રીના સમયે સઘન કાર્યવાહી કરી, એક બોટમાંથી ચાર શખ્સોને દબોચી લીધા હતા. તેઓની ઝડતી તપાસમાંથી ઈરાની શખ્સ એવા મુસ્તુફા મહમદ સઈદ પાસેથી ૧૦ ગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો સાંપડયો હતો.

પોલીસ સમક્ષ જાહેર થયેલી વિગત મુજબ ઓખાના દરિયાઈ વિસ્તારમાં ગત મોડીરાત્રે બોટ પેટ્રોલિંગ મારફતે એક બોટમાંથી શંકાના આધારે મૂળ તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુર ખાતે રહેતા અને એરોસ્પેસ એ.પી.સી.ના મિકેનિકલ એન્જિનિયર અશોકકુમાર અય્યપન મુથુરેલા નામના ૩૭ વર્ષના શખ્સ સાથે માછીમારીનો વ્યવસાય કરતા ત્રણ ઈરાની નાગરિકો એવા મુસ્તુફા મહમદ સઈદ બલુચી (ઉ.વ. ૩૮), જાશેમ અલી ઇશાક બલુચી (ઉ.વ. ૨૫) અને અમીરહુસેન અલી શાહકરમ બલુચી (ઉ.વ. ૧૯) નામના ચાર શખ્સોને આ બોટમાંથી દબોચી લેવામાં આવ્યા હતા.

આ બોટમાં ચેકિંગ દરમિયાન એક થુરાયા સેટેલાઈટ ફોન, રૂા. ૫ લાખની કિંમતનાં ૧૦ ગ્રામ માદક પદાર્થ (હેરોઇન), આઠ નંગ મોબાઈલ ફોન, બે લેપટોપ, અઢી લાખની ઈરાની રીયાલની ચલણી નોટો, બોટ તથા એન્જિન, જી.પી.એસ. ડીવાઈસ, ૧૫ નંગ એટીએમ કાર્ડ તથા ડેબિટ કાર્ડ ઉપરાંત બે નંગ પાસપોર્ટ મળી આવ્યા હતા.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ એક આરોપી પાસેથી મળેલું ડ્રગ્સ પર્સનલ યુઝ માટે હોવાનું તેમજ અહીં આવતા ફિશિંગ બોટમાં ઇંધણ ખલાસ થઈ જતા અહીંથી ઝડપાયેલા આનંદકુમાર દ્વારા તેઓને ૨૦૦ લીટર ઇંધણની વ્યવસ્થા પણ કરવાની હતી. આ સમગ્ર પ્રકરણમાં તમામ આરોપીઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ, પાસપોર્ટ એક્ટ તથા ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News