વડોદરા: દેવ ડેમના 3 દરવાજા ખોલાયા, પાનમ ડેમમાંથી પણ પાણી છોડાયું
વડોદરા, તા. 30 ઓગસ્ટ 2020 રવિવાર
દેવ ડેમના ત્રણ દરવાજા આંશિક ખોલવામાં આવતા દેવ નદીના કાંઠા વિસ્તારોમાં ગામોને એલર્ટ કરી દેવાયા છે.
રૂલ લેવલ જાળવવા હાલોલ તાલુકામાં આવેલા દેવ ડેમના ત્રણ દરવાજા 0.30 મીટર જેટલા આંશિક ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલમાં ગેટ નં.4 અને 5 અને 6 આંશિક ખુલ્લા છે.સવાર 8 વાગે જળ સપાટી 88.43 મીટર હતી. તે સમયે ડેમમાં ઉપરવાસમાં થી પાણીની આવક 644.86 ક્યુસેક અને જાવક 646.26 ક્યુસેક હતી.
દેવમાં થી છોડવામાં આવી રહેલા પાણીને અનુલક્ષીને વાઘોડિયા અને ડભોઇ તાલુકા વહીવટી તંત્ર ને સંપૂર્ણ સાવધાની રાખવા અને જરૂર પડ્યે તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
વાઘોડિયા તાલુકાના 19 અને ડભોઇ તાલુકાના 7 મળી જિલ્લા ના કુલ 26 દેવ કાંઠાના ગામોમાં લોકોને નદી પટથી દુર રહેવા અને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.
સવારે 9 વાગે મહી નદીમાં કડાણા ડેમમાં થી 255400 ક્યુસેક અને રાજસ્થાન ના બજાજ સાગર ડેમમાં થી 331282 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરા જિલ્લાના ડેસર,સાવલી,વડોદરા અને પાદરા તાલુકાઓના મહી કાંઠાના ગામોમાં સાવધાની રાખવા તાલુકા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. લોકોને નદી કાંઠા થી દુર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.