ભાજપશાસિત APMCમાં જૂથવાદ ચરમસીમાએ, 3 ડિરેક્ટરે બળવો કરી કોંગ્રેસ ઉમેદવારને ફરી ચેરમેન બનાવ્યાં
Factionalism in BJP: પાટણ જિલ્લાના બીજા નંબરના હારીજ માર્કેટ યાર્ડમાં બીજી ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ શાસિત એપીએમસીમાં ત્રણ ડિરેક્ટરોએ બળવો કરી કોંગ્રેસમાંથી આવેલા અને પ્રથમ ટર્મના ચેરમેન વાઘજીભાઈને ફરી અઢી વર્ષ માટે જીતાડ્યા હતા. આમ શિસ્ત બદ્ધ ભાજપના મેન્ડેટનો અનાદર થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો.
ભાજપ શાસિત એપીએમસીમાં જૂથવાદ સપાટી પર
હારીજ એપીએમસી હોલ ખાતે ચૂંટણી અધિકારી હિંમતનગર રજિસ્ટર્ડની અધ્યક્ષતામાં બીજી ટર્મના ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપના યુવા મોરચા પ્રમુખ દ્વારા ચેરમેન પદ માટે બાબા ચૌધરી અને વાઈસ ચેરમેન પદ માટે દિલીપકુમાર ઠક્કરનુ મેન્ડેટ રજૂ કર્યુ હતુ. જે મેન્ડેટની સામે વર્તમાન ચેરમેન વાઘજી ચૌધરી દ્વારા પાર્ટી મેન્ડટનો અનાદર કરી સામે ફોમ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
કુલ 17 સભ્યોની હાજરીમાં યોજાયેલી ચૂંટણીમાં બાબા ચૌધરીને 8 મત મળ્યા હતા સામે પક્ષે વાઘજી ચૌધરીને 9 મત મળતા એક મતથી વિજય થયો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ વાઘજી ચૌધરી અને જુના કોંગ્રેસીઓએ મેન્ડેટનો અનાદર કરી ફરી કોંગ્રેસમાં જતા રહ્યા હોવાના આક્ષેપ બાબા ચૌધરીએ કર્યાં હતા. તો સામે બળવાખોર ઉમેદવાર અને તેમની ટીમ દ્વારા ભાજપ લીધેલી સેન્સમાં 9 ઉમેદવારોએ ચેરમેન તરીકે વાઘજી ચૌધરીનો પાર્ટીમાં લિખિત સેન્સ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: ભાજપના સભ્યપદ અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ
ત્રણ બળવાખોરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હારીજ એપીએમસીમાં ચેરમેનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કાર્ય કરવા બદલ વાઘજી ચૌધરી (પક્ષના મેન્ડેટ વિરુઘ્ધ ઉમેદવારી કરનાર), રમેશજી ઠાકોર (દરખાસ્ત કરનાર) અને જીગર મહેતા(ટેકો આપનાર)ને શિસ્તભંગના પગલા બદલ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.