ગ્રુપલૉનના કૌભાંડમાં ઝડપાયેલા 6 શખ્સોના 3 દિવસના રિમાન્ડ મંજૂર
- મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના બહાને ઠગાઈ
- નેબફિન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર સહિત 6 શખ્સોએ 211 ખાતા ખોલી 84 લાખની લોન લઈ લીધી હતી
આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલી નેબફિન્સ પ્રાઇવેટ લિ. કંપની ખાતે મહિલાઓને આત્મનિર્ભર કરવા સારું ગુ્રપલોન આપી એક યુવતી સહિત છ શખ્સોએ રૂ. ૮૪ લાખનું ગુ્રપલોન કૌભાંડ આચર્યું હતું. જેમાં આણંદ એલસીબીએ કૌભાંડ સંદર્ભે તમામ ૬ શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ અર્થે તેઓના ૩ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આણંદના પેટલાદમાં આવેલી નેબફિન્સ પ્રાઈવેટ લિ. કંપનીની શાખાના બ્રાન્ચ મેનેજર સહિત કર્મચારીઓએ ખાનગી માણસો સાથે મળી ખોટી રીતે લોન લેવા ગ્રાહકોના ડોક્યૂમેન્ટ જાણ બહાર મેળવી એકબીજાની મદદગારીથી ગેરરીતિ આચરી હોવાનું કંપનીના મેનેજમેન્ટના ધ્યાને આવ્યું હતું. જેથી કંપની દ્વારા તપાસ કરતા કર્મચારીઓએ ભેગા મળી કંપનીમાં ૨૧૧ લોન એકાઉન્ટ ખોટી રીતે ઓપન કરી મળતિયાઓના નામ બેનિફિશયરી તરીકે બેંક પાસબુકમાં ખોટી રીતે એડિટ કરી ખોટા ડોક્યૂમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ વ્યક્તિઓના નામે લોન લઈ રૂા. ૮૪ લાખની ગેરકાયદે લોન લીધાનું ખૂલ્યું હતું. જે અંગે બેંક ડેપ્યૂટી મેનેજર ઉદયન શિવપ્રકાશ ભૂમિહારે છ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.