Get The App

સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિતની ટોળકીની ૩ કરોડની ઠગાઈ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિતની ટોળકીની ૩ કરોડની ઠગાઈ 1 - image


મંદિર અને ગૌશાળા માટે જમીન ખરીદવાનાં નામે રાજકોટના જમીનના દલાલ ભોગ બન્યા : 4 સ્વામિ સહિત કુલ 8  વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટ, : સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂા. 3.04 કરોડની છેતરપીંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ ઈઓડબલ્યુને સોંપવામાં આવી છે. જોકે પોલીસ હજૂ સુધી એકપણ આરોપીની ધરપકડ કરી શકી નથી.  નવલનગર શેરી નં.૩માં રહેતાં જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માઢક (ઉ.વ. 45) ભક્તિનગર સર્કલના મેઘાણી રંગભવનના પહેલા માળે મિત્ર જય કિશોરભાઈ મોલીયા સાથે ભાગીદારીમાં જમીન લે-વેચનું કામ કરે છે.  તેણે પોલીસને જણાવ્યું કે બે વર્ષ પહેલાં સુરતમાં સેકન્ડ હેન્ડ કાર લેવા જતાં ઓટો બ્રોકર સુરેશ તુલસીભાઈ ઘોરી સાથે મુલાકાત થઈ હતી. તે વખતે તેણે પોતે જમીનની દલાલીનું કામ પણ કરતા હોવાનું કહ્યું હતું. 

થોડા સમય બાદ સુરેશે તેના ભાગીદાર જયને કોલ કરી જમીન બાબતે વાતચીત કરવા માટે રૂબરૂ મળવા માગે છે તેમ કહ્યું હતું. ત્યાર પછી સુરેશ ગઈ તા.16-1-2024 ના રોજ તેની ઓફિસે આવ્યો હતો. તે વખતે તેણે સાથે રહેલા શખ્સની ઓળખાણ લાલજીભાઈ ઢોલા તરીકે કરાવી કહ્યું કે તે વડતાલ મંદિરના ખજાનચી છે. દહેગામ પાસે લીંબ ગામ છે. જયાં 510 વિઘા જમીન ઉપર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી. પી. સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી ગૌશાળા અને મોટું મંદિર બનાવવા માગે છે. જે માટે જમીન ખરીદવાની છે. જો તેમાં તમે રોકાણ કરશો તો સારો એવો નફો અને વળતર મળશે. થોડા સમય પછી તેને અને ભાગીદાર જયને અંકલેશ્વર બોલાવી ઋષિકુળ ગૌધામ ખાતે ચારેય સ્વામી સાથે પરિચય કરાવ્યો હતો. તે વખતે  ચારેય સ્વામીઓએ કહ્યું કે લીંબ ગામની 510 વિઘા ખેતીની જમીન જો અમે ખેડૂતો પાસેથી સીધા ખરીદી કરવા જશું તો વધારે ભાવ લેશે. જેથી તમે વેપારી તરીકે જઈ જમીનનો સોદો કરો. સુથી પેટે જે રકમ આપવાની થાય તે તમે આપજો અને સાટાખત તમારા નામે કરાવી નાખજો. ત્યાર પછી અમે કહીએ તેના નામે દસ્તાવેજ કરાવીઆપજો. અસલ સાટાખત તમે આપશો એટલે તમારી રોકાણ કરેલી રકમ પાંચ દિવસમાં પરત આપી દેશું. દસ્તાવેજ થઈ જાય એટલે તમને એક વિઘાના રૂા. 1 લાખ વળતર પણ આપશું. અમારે દાનની રકમ કેનેડાના દાતા તરફથી આવવાની છે. આ વખતે લાલજીભાઈએ મંદિરનો થ્રી-ડી પ્લાન પણ બતાવતા વિશ્વાસ બેસી ગયો હતો.

આ વાતચીત થયા બાદ દહેગામ પાસે આવેલ પીપલોજ ગામે ગયા હતા. તે વખતે સુરેશે ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ખેડૂત તરીકે ઓળખાણ કરાવી હતી. શરૂઆતમાં બંનેએ રૂા. 20 લાખ વિઘાના ક્હ્યા હતા. રકઝકના અંતે રૂા.18 લાખમાં સોદો થયો હતો. તે વખતે સુથી પેટે રૂા.૩ કરોડ આપવાની વાતચીત થઈ હતી. 

તેના બે દિવસ પછી તે અને જય આણંદ ગયા હતા. જયાં સુરેશનો સંપર્ક કરી તેની સાથે સીધેશ્વર ગૌશાળાએ ગયા હતા. જયાં ફરીથી ચારેય સ્વામીઓ સાથે મુલાકાત થતાં તેને જમીનના સોદાની વાત કરી હતી. એટલું જ નહીં સુથી પેટે રૂા.૩ કરોડ આપવા પડશે તેવી વાત પણ કહેતાં વિજયપ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે રૂા. 50 લાખ મોકલવાની વાત કરી હતી. નક્કી થયા મુજબ સુરેશભાઈ બંને ખેડૂતોને લઈને તેની ઓફિસે આવ્યા હતા. જયાં તેમને રૂા. 2.50 લાખ ટોકન પેટે આપ્યા હતા. આ પછી તે અને જય બંનેના કોમન મિત્ર સંજય પરસાણા અને જયની પત્ની ધરતીબેન ખાતેદાર ખેડૂત હોવાથી તેની સાથે ખેડૂત ભૂપેન્દ્રભાઈના ઘરે પહોંચ્યા હતા. જયાં રાત રોકાયા બાદ બીજે દિવસે સાટાખત તૈયાર કરાવ્યું હતું. તે વખતે લાલજીએ રૂા. 50 લાખ આપ્યા હતા. બાકીની રકમ મળી કુલ રૂા. 3 કરોડ બંનેએ ખેડૂતોને ચુકવ્યા હતા. જેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ પણ કર્યું હતું. તે વખતે બંને ખેડૂતોએ લીંબ ગામની સર્વેનંબરની અલગ-અલગ જમીન તેના અને ધરતીબેનના નામે નોટરાઈઝ કરી આપી હતી. જયાંથી સીધા આણંદની સીધેશ્વર ગૌશાળા ખાતે ગયા હતા. 

ત્યાં દેવપ્રકાશ સ્વામીને અસલ સાટાખત બતાવતાં તેણે કહ્યું કે હું નૌતમ સ્વામીને બતાવીને આવું, ચાર-પાંચ દિવસ પછી તમને અસલ સાટાખત અને રોકાણ કરેલી રકમ પાછી આપી દેશું તેમ કહ્યું હતું. જેથી તેને સાટાખત આપી રાજકોટ આવી ગયા હતા.  તેના ત્રણ-ચાર દિવસ પછી સુરેશના કહેવાથી આણંદની સીધેશ્વર ગૌશાળામાં દેવપ્રકાશ અને વિજયપ્રકાશ સ્વામીને મળતા બંનેએ કહ્યું કે વડતાલ મંદિરેથી બધું ફાઈનલ થઈ ગયું છે તેમ કહી અસલ સાટાખત આપી દીધું હતું. સાથોસાથ કહ્યું કે કેનેડાના દાતા હાલ દુબઈ છે. જેથી તેમની સાથે કોન્ટ્રાકટ કરવાનો છે તેમ કહી બંનેને પણ દુબઈ આવવાનું કહેતાં ગઈ તા.13-2-2024 ના રોજ દુબઈ પહોંચ્યા હતા.  જયાં દેવપ્રકાશ સ્વામી અને લાલજીભાઈ મળ્યા હતા. એટલું જ નહીં બંનેએ બે દાતાઓની પણ ઓળખાણ કરાવી હતી. જેમાંથી એકનું નામ આનંદજી હતું. બંને દાતાઓએ ત્રણ કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેન્ક ખાતામાં જમા કરાવવાની વાત કરી કહ્યું કે જેમ-જેમ દસ્તાવેજ થાય તેમ તેની કોપી અમને મોકલી આપજો, એટલે અમે રકમ મંદિરના બેન્ક ખાતામાં મોકલી આપશું.  આટલી વાતચીત થયા બાદ રાજકોટ પરત ફર્યા હતા. તેના ત્રણ-ચાર દિવસે તેના ભાગીદાર જયે વિજયપ્રકાશ અને દેવપ્રકાશ સ્વામીને પેમેન્ટ કયારે પાછું મળશે તેવું પૂછતાં બંનેએ બહાના બતાવ્યા હતા. આ દરમિયાન ખેડૂત ભૂપેન્દ્રએ જયને કોલ કરી રૂા. 1 કરોડની માગણી કરી હતી. જેથી જયે આ વાત લાલજીભાઈને કરતાં તેણે કહ્યું કે હું સ્વામી  સાથે વાત કરીને કહું છું. બાદમાં તેણે સ્વામી હાલ રૂા. 20 લાખ સુરેશ સાથે ખેડૂતને મોકલાવી દેશે, જયારે બીજી રકમ હાલ તમારે દેવી પડશે તેમ કહેતાં તેણે રૂા.પપ લાખ આંગડીયા મારફત ભૂપેન્દ્રને મોકલી દીધા હતા. 

ત્યાર બાદ તેણે જમીનના સોદામાં જે રોકાણ કર્યું હતું તે રકમ પરત આપવા માટે અવાર-નવાર માગણી કરતાં આરોપીઓ બહાના બતાવતા હતા. આખરે તેમને જાણવા મળ્યું હતું કે આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબ સાથે રૂા. 1.34 કરોડની ઠગાઈ થઈ છે, જેમાં આરોપી તરીકે સુરેશભાઈ અને જયપ્રકાશ સ્વામીનું નામ હતું. પરિણામે પરિસ્થિતિ પામી જતાં આખરે ચારેય સ્વામી ઉપરાંત લાલજીભાઈ, સુરેશભાઈ, ભૂપેન્દ્ર અને વિજયસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

અઠવાડિયા પહેલાં ફરિયાદ નોંધાઈ પરંતુ પોલીસે માહિતી છૂપાવી

રાજકોટ,  : આ કેસની ફરિયાદ ગઈ તા. 23ના રોજ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ફરિયાદ સંવેદનશીલ પ્રકારની ફરિયાદની વ્યાખ્યામાં આવતી ન હોવા છતાં પોલીસે તેને બ્લોક કરી માહિતી છૂપાવી હતી. આ માટે પોલીસે આરોપીઓ પકડવાના બાકી હોવાનું કારણ દર્શાવ્યું હતું. જે વાસ્તવમાં ફરિયાદ છૂપાવ્યા છતાં અઠવાડિયું વીતિ ગયું છે. છતાં પકડાયા નથી. 


Google NewsGoogle News