વડોદરાથી ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે પરથી ત્રણ કન્ટેનરો દારૂ ભરેલા ઝડપાયા
Vadodara Liquor Smuglling : વડોદરા જિલ્લા પોલીસની એલસીબી બ્રાન્ચે વડોદરાથી ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે ઉપર એક સાથે ત્રણ કન્ટેનરો દારૂ ભરેલા ઝડપી પાડી કુલ દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વરણામા હાઇવે પરથી પસાર થતી યુપી પાસિંગની એક ટાટા ટ્રક કન્ટેનરને રોકી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની પેટી 367 કુલ બોટલ નંગ-8808 કુલ કિ.રૂા.11.35 લાખનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, એક મોબાઇલ તથા કંન્ટેનર મળી કુલ રુપિયા 21.40નો મુદ્દામાલ કબજે કરી પુષ્પન્દ્રકુમાર ધારાસીંગ ગડરીયા રહે.સેમરી થાણા, રાજપુરા તા.ગુન્નોર જી.સમ્ભલ (ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરેલ કંન્ટેનર સોનુ રહે, મુરાદાબાદ (યુ.પી.) એ આપ્યું હતું. આ અંગે રાખોલી સેલવાસ ખાતેથી ગાડી ભરી આપનાર સોનુના સંપર્ક વાળો શખ્શ સહિત ત્રણ સામે વરણામા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત કપૂરાઇ ગામની સીમમાં શ્રદ્ધા કાઠીયાવાડી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા એક કન્ટેનરમાં તપાસ કરતા અંદરથી 23.47 લાખ કિંમતની 10,692 નંગ દારૂનો જથ્થો ભરેલી બોટલો તેમજ 64 નંગ 32.62 લાખ કિંમતના દારૂ ભરેલા બેરલો સહિત કુલ 71.75 લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનરના ડ્રાઇવર ટૌફિક ઉસ્માન મેવ રહે હરિયાણાની ધરપકડ કરી હતી દારૂનો જથ્થો હરિયાણાથી મુસ્તાક નામના શકશે ભરી આપ્યો હતો.
જ્યારે કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી નજીક ભરૂચ વડોદરા રોડ ઉપર ત્રીજા એક કન્ટેનરને રોકી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો 45.5 લાખ કિંમતનો દારૂ તેમજ કન્ટેનર મળી 55.5 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી પોલીસે અબ્દુલ મલિક હમીદ હુસેનખાન સાવરા રહે મુંબઈની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ નામના શખ્શને ફરાર જાહેર કર્યો હતો.