કેશોદ નજીકથી 9.59 લાખની કિંમતનાં 13,100 લીટર બાયોડીઝલ સાથે 3 પકડાયા

Updated: May 25th, 2024


Google NewsGoogle News
કેશોદ નજીકથી 9.59 લાખની કિંમતનાં 13,100 લીટર બાયોડીઝલ સાથે 3 પકડાયા 1 - image


સ્થાનિક પોલીસની જાણ બહાર SMCનો દરોડો બે ટ્રક, ટેન્કર, રોકડ તથા અન્ય મશીનરી સહિત કુલ 41.71 લાખનો મુદ્દામાલ કબ્જે : અન્ય 7 શખ્સો સામે ગુનો દાખલ

જૂનાગઢ, : કેશોદ નજીક સ્થાનિક પોલીસની જાણ બહાર સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી ગેરકાયદેસર રીતે વેંચાતું બાયોડીઝલ પકડી લીધુ હતું. એસએમસીએ 9.59 લાખની કિંમતનું 13,100 લીટર બાયોડીઝલના જથ્થા સાથે ૩ શખ્સોને પકડી લઈ કુલ 41.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે કુલ 10 શખ્સો સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેની તપાસ જૂનાગઢ એસઓજીને સોંપવામાં આવી છે.

કેશોદના સોમનાથ હાઈવે પર આવેલી ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટેલા ટેન્કરમાં બાયોડીઝલનો સંગ્રહ કરી તેનું બજાર કિંમત કરતા ઓછા ભાવે વેંચાણ કરવામાં આવતું હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે એસએમસીના પીએસઆઈ જે.ડી. બારોટ સહિતના સ્ટાફે ગત રાત્રીના આ સ્થળે દરોડો પાડયો હતો. જ્યાંથી ફાયર સેફટીના કોઈપણ સાધન કે લાયન્સસ વગર આ જવલનશીલ પ્રવાહી વેંચાતું હતું. એસએમસીના સ્ટાફે 9.59  લાખથી વધુની કિંમતનો 13,100 લીટર બાયોડીઝલ કબ્જે કરી મજુર ભાવેશ પુંજા રાવલીયા, ડ્રાઈવર મહમદ હસન ચૌહાણ અને રફીકશા અહમદશા બાનવાને પકડી લીધા હતા. આ શખ્સોની અંગ ઝડતી કરતા તેની પાસેથી 79,670 રૂપીયા રોકડા, જમીનમાં દાટેલી બે ટાંકી, એક પ્લાસ્ટીકની ટાંકી, બે ટ્રક, ત્રણ મોબાઈલ તથા મશીનરી મળી કુલ 41.7, લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સોની પુછપરછ દરમ્યાન આ ધંધો ગૌતમ લખમણ કારેથા, મોહિત ભગવાનજી ત્રાંબડીયા, કાળુ ગોવિંદ હુંબલ કરતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ જગ્યા મુકેશ દોલતરાય લખલાણી અને ઈલાબેન દોલતરાય લખલાણીએ ભાડે આપ્યાનું ખુલ્યું હતું. આ ઉપરાંત બે ટ્રક માલિક સતીષ શરમણ સોલંકી અને પુના અરજણ સોલંકીનું નામ સામે આવ્યું હતું.

આ અંગે એસએમસીના પીએસઆઈ જે.ડી. બારોટે ત્રણેય શખ્સોને પકડી લઈ અન્ય સાત સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કેશોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર પ્રકરણની તપાસ જૂનાગઢ એસઓજીના પીએસઆઈ પી.કે. ચાવડાને સોંપવામાં આવી છે. કેશોદ નજીક સરાજાહેર બાયોડીઝલનો ધંધો ચાલતો હતો છતાં સ્થાનિક પોલીસ કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી. એસએમસીના સ્ટાફે સ્થાનિક પોલીસની જાણ બહાર કરેલી આ કાર્યવાહીથી સ્થાનિક તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી. આ અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.


Google NewsGoogle News