અમરેલી જિલ્લામાં ભાજપના 3 બળવાખોર હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ, પાર્ટી વિરુદ્ધ કરતા હતા પ્રચાર
BJP in Action Mode: ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચાર ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ થયા હતા અને ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ ભાજપના 3 હોદ્દેદારોને સસ્પેન્ડ આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. ટિકિટ ન મળતાં ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ થયા હતા. જેથી તેમણે અથવા તેમના પરિજનોએ અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. રાજકીય સ્થિતિ બેકાબુ બનતાં જ પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જેમાં અમરેલી જિલ્લામાં ભાજપના 3 હોદ્દેદારો હિરેનભાઈ પાડા (જિલ્લા ભાજપ યુવા ઉપપ્રમુખ લાઠી), કલ્પેશભાઈ મેતલીયા (પૂર્વ નગર સેવક ભાજપ લાઠી) , હરેશભાઈ ગોહિલ (સક્રિય કાર્યકર્તા રાજુલા) પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના 60 બળવાખોરો છ વર્ષ માટે સસ્પેન્ડ
આ અઠવાડિયામાં કમલમથી આદેશ છૂટતાં જ પક્ષવિરોધીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. જેમાં દાહોદમાં ભાજપના 18 હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ ઉપરાંત ખેડા જિલ્લામાં મહેમદાવાદ-ચકલાસીના કુલ 34 નેતાઓને પક્ષમાંથી હાંકી કઢાયા હતાં. જૂનાગઢમાંથી પણ 10 હોદ્દેદારોને ઘરનો રસ્તો દેખાડી દેવાયો હતો. આણંદ અને ધંધુકામાંથી કુલ 4 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા આદેશ કરાયો હતો. આમ કુલ મળીને 60થી વધુ ભાજપના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ઘુઘવાટ ચાલી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં વધુ બળવાખોરો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. પ્રદેશ ભાજપ નેતાગીરી અસંતુષ્ટો પર નજર રાખી રહી છે.