રાજકોટના વેપારીનું રૂ. 90 લાખનું સોનું લઈ 3 બંગાળી કારીગરો ફરાર
A-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ : ત્રણેય બંગાળી કારીગરો વેપારીની દુકાનમાં છેલ્લા પોણાં 2 વર્ષથી કામ કરતા હતા : મુખ્ય આરોપી મકાન વેચી જતો રહ્યો
રાજકોટ, : રાજકોટમાં વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં હોવાનો સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક વેપારીનું રૂ. 90 લાખ જેવી માતબર રકમનું સોનું લઈ 3 બંગાળી કારીગરો ભાગી ગયાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
વર્ધમાનનગર શેરી નં. 7/5ના ખુણે રહેતા પ્રસન્નભાઈ રમણિકલાલ રાણપરા (ઉ.વ. 54)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દશા શ્રીમાળીની પાછળ પી.આર. લેન્ડમાર્ક બિલ્ડીંગમાં રાણપરા ક્રિએશન નામની દુકાન રાખી ત્યાં સોનાના દાગીના બનાવવાનું જોબવર્ક કરે છે. છેલ્લા બે વર્ષથી આ દુકાન છે. તે પહેલાં ઘરે જોબવર્ક કરતા હતા. તેની દુકાનમાં મૂળ પશ્ચિમ બંગાળનો તપસ હરીપાડા દાસ, રાજીબ સપન બેરા અને સોવીક ઉર્ફે સુબો કાશીનાથ મંડલ પણ છેલ્લા પોણા બે વર્ષથી કારીગર તરીકે કામ કરતા હતા. આ ત્રણેય આરોપીઓની નીચે બીજા આઠથી-દસ કારીગરો કામ કરતા હતા.
તે દાગીના તૈયાર થયા બાદ વેપારીઓને હોલસેલ ભાવેથી વેચાણ કરતા હતા. આ માટે દુકાનમાં ફાઈન સોનાનો સ્ટોક રાખ્યો હતો. વેપારીઓ પાસેથી ફાઈન સોનું લઈ તેના દાગીના બનાવડાવતા હતા. જેની દેખરેખ તપસ રાખતો હતો. તપસે તેની દુકાનમાં કામ કર્યું તે દરમિયાન તેને ઉપરાંત અન્ય બે કારીગરો રાજીબ અને સોવીકને સોનાના દાગીના બનાવવા માટે જે ફાઈન સોનું આપ્યું હતું, તેનો હિસાબ કરતા તેમાં 900 ગ્રામની ઘટ પડી હતી.
જેથી તપસને વાત કરતાં તેણે કહ્યું કે તમે કામ ચાલુ રાખો, હું તમને કટકે-કટકે 900 ગ્રામ ફાઈન સોનું આપી દઈશ. પરિણામે તેની ઉપર વિશ્વાસ રાખી સોનાના દાગીના બનાવડાવાનું કામ ચાલુ રાખ્યું હતું. આ સમય દરમિયાન તપસે કટકે-કટકે 350 ગ્રામ ફાઈન સોનું પરત આપ્યું હતું. ત્યાર પછી તે ગઈ તા. 11 જાન્યુઆરીના રોજ તેની દુકાનેથી 22 કેરેટ સોનાના 400 ગ્રામ દાગીના કે જેમાં 3 લાંબા સેટ અને 2 ચોકરનો સમાવેશ થાય છે. તે ગ્રાહકોને બતાવવા લઈ ગયો હતો. આ રીતે તેને તપસ અને અન્ય બે આરોપીઓ પાસેથી કુલ 950 ગ્રામ ફાઈન સોનું લેવાનું નીકળતું હતું.
ગઈ તા. 12 જાન્યુઆરીના રોજ વેપારીઓને તૈયાર કરેલા દાગીના આપવાના હતા. પરંતુ તે દિવસે તપસ દુકાને આવ્યો ન હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી બે કારીગરોને રામનાથપરામાં આવેલા તેના મકાને તપાસ કરવા મોકલતા જાણવા મળ્યું હતું કે ચાર દિવસ પહેલાં જ તે મકાન વેચી જતો રહ્યો છે. આ પછી તપાસ કરતાં તેને અલગથી આપેલા 891 ગ્રામ ફાઈન સોનામાંથી 150 ફાઈન સોનાની ઘટ જોવા મળી હતી. આ રીતે ત્રણેય આરોપીઓને છેલ્લા પોણા બે વર્ષ દરમિયાન આપેલા ફાઈન સોનામાંથી રૂ. 90 લાખની કિંમતના 1100 ગ્રામ સોનાની ઘટ જોવા મળતાં ફરિયાદ નોંધાવી હતી.