Get The App

ભારતમાં ઘુસેલા ૩ બાંગલાદેશી શખ્સો રાજકોટ નજીકથી પકડાયા

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
ભારતમાં ઘુસેલા ૩ બાંગલાદેશી શખ્સો રાજકોટ નજીકથી પકડાયા 1 - image


બોંગાવ બોર્ડરથી એજન્ટ મારફત જંગલ રસ્તે ઘુસ્યાનો ઘટસ્ફોટ

રાજકોટ રૃરલ પોલીસને સફળતા,સુરક્ષા એજન્સીઓ સતર્કઃ કલકત્તાથી ટ્રેન દ્વારા અમદાવાદ-પડધરી આવ્યા જ્યાં બાંગ્લાદેશી મહિલા દોઢ વર્ષથી ગેરકાયદે રહે છે

રાજકોટ :  બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે ઘુસીને રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના રંગપરના પાટિયા પાસે વસવા લાગેલા એક મહિલા સહિત ત્રણ બાંગ્લાદેશી શખ્સોને આજે રાજકોટ રૃરલ પોલીસે ઝડપી લીધા છે. આ શખ્સો પશ્ચિમ બંગાળમાં બોન્ગાંવ બોર્ડર મારફત એક એજન્ટને પૈસા આપીને ભારતમાં ઘુસ્યાનું અને કલકત્તાથી ટ્રેનમાં રાજકોટ આવીને પડધરી પહોંચ્યાનું પ્રાથમિક પુછપરછમાં ખુલ્યું છે.

રાજકોટ  ગ્રામ્ય પોલીસના સ્પે.ઓપરેશન ગુ્રપના પી.આઈ. એફ.એ.પારગીએ જણાવ્યું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ઘુસણખોરી કરતા અન્ય દેશના નાગરિકો અંગે ચાલતા પેટ્રોલીંગ દરમિયાન પડધરી પંથકમાં બાંગ્લાદેશીઓ રહેતા હોવાની મળેલી બાતમીના આધારે તપાસ કરતા રંગપરના પાટિયા પાસે રવેચી હોટલ પાછળ મારુતિ સોસાયટી બ્લોક નં.૩માં ભુપત ભરવાડમાં ભાડે મકાન રાખીને ેરહેતા (૧) સોહિલહુસેન યાકુબઅલી (ઉ.૩૦ રહે.મૂળ મોનીરામપુર જોસર,જિ.જોસર, ઢાકા બાંગ્લાદેશ) અને (૨) રિપોનહુસેન અમીરૃલઈસ્લામ  (ઉ.૨૮ રહે.મૂળ મોનીરામપુર જોસર,ઢાકા,બાંગ્લાદેશ)ને પકડી પાડીને નજર કેદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાં અન્ય એક બાંગ્લાદેશી મહિલા પણ રહેતી હોવાની બાતમીના આધારે આ જ સ્થળેથી (૩) રીના નામ રાખીને રહેતી રીના ખુરશીદઆલોમ બિશ્વાસ (ઉ.૩૪ રહે.મૂળ મામદકરી, થાના-મોનીરાપુર જિ.જોસર, રાજધાની ઢાકા બાંગ્લાદેશ)ને પણ પકડી લેવાયેલ છે.

આ શખ્સોની પુછપરછ કરતા સોહીલહુસેન અને રિપોનહુસેન બન્ને બે માસ પહેલા બાંગ્લાદેશની બોમ્બરા સહહદથી એક એજન્ટને સંભવતઃ પૈસા આપીને ગેરકાયદે જંગલ રસ્તે ભારતમાં ઘુસ્યા હતા, ઘુસીને બોન્ગા આવીને કલકત્તાથી હાવડા એક્સપ્રેસ મારફત ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં રાજકોટ આવીને પડધરી તાલુકામાં આવ્યા હતા. અહીં આ બે શખ્સો કિંગપાઈપ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામે રહી ગયા હતા અને ભુપત ભરવાડનું મકાન ભાડે રાખી તેમાં રહેવા લાગ્યા હતા. આ જ સ્થળે આ શખ્સોની સંબંધી મહિલા રીના ખુરશીદઆલોમ બાંગ્લાદેશથી ભારતમાં ઘુસીને દોઢ વર્ષથી આ સ્થળે રહેતી હતી. આમ, આ શખ્સોના અન્ય કોઈ ઓળખીતા,સગાસંબંધીઓ પણ ઘુસીને રાજકોટ પંથકમાં આવ્યાની શંકા જાગી છે.

પોલીસસૂત્રો અનુસાર આ શખ્સો જે કહે છે તે મૂજબ રોજીરોટી માટે આવ્યા કે કોઈ ગુનાહિત પ્રવૃતિ,તોડફોડ કરવા માટે આવ્યા છે તે અંગે સઘન પુછપરછ થઈ રહી છે.

આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. રાજકોટમાં અગાઉ પશ્ચિમ બંગાળથી આવીને રહેતા આતંકવાદીઓ પણ પકડાયેલા છે. ઉલ્લેખનીય છે કે ભારત સાથે બાંગ્લાદેશની ૪૦૯૬ કિ.મી.લાંબી જમીન સરહદ વિશ્વની પાંચમી સૌથી મોટી  બોર્ડર છે અને તેમાં ૨૨૦૦ કિ.મી.થી વધુ સરહદ પશ્ચિમ બંગાળ અને બાકીની અન્ય રાજ્યોમાં પડે છે. 


Google NewsGoogle News