રૂ.25 કરોડ 1 ટકાના વ્યાજે આપવાના બહાને ડિપોઝીટ પેટે બિલ્ડરના રૂ.3.97 કરોડ પડાવ્યા
પાલમાં રહેતા પિતા-પુત્રો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ : સીટીલાઇટ રહેતા મૂળ ભાવનગરના બિલ્ડરને પાલના ત્રિકમભાઈ ભીંગરાડીયા અને બે પુત્રો મુકેશ-દિલીપે કરોડો રૂપિયા વ્યાજે આપવા ઝાંસો આપ્યો હતો
જેટલા પૈસા વ્યાજે જોઈતા હોય તેના 15 ટકા ડિપોઝીટ પેટે આપવા પડશે કહી પૈસા લીધા બાદ વ્યાજે પૈસા નહીં આપી બાંહેધરી કરાર લખી આપી ડિપોઝીટ પેટે લીધેલા પૈસા પણ પરત નહીં કર્યા
- પાલમાં રહેતા પિતા-પુત્રો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ : સીટીલાઇટ રહેતા મૂળ ભાવનગરના બિલ્ડરને પાલના ત્રિકમભાઈ ભીંગરાડીયા અને બે પુત્રો મુકેશ-દિલીપે કરોડો રૂપિયા વ્યાજે આપવા ઝાંસો આપ્યો હતો
- જેટલા પૈસા વ્યાજે જોઈતા હોય તેના 15 ટકા ડિપોઝીટ પેટે આપવા પડશે કહી પૈસા લીધા બાદ વ્યાજે પૈસા નહીં આપી બાંહેધરી કરાર લખી આપી ડિપોઝીટ પેટે લીધેલા પૈસા પણ પરત નહીં કર્યા
સુરત, : સુરતના સીટીલાઇટ ખાતે રહેતા અને સિંગણપોરમાં ઓફિસ ધરાવતા મૂળ ભાવનગરના બિલ્ડરને રૂ.25 કરોડ 1% ના વ્યાજે આપવાના બહાને પાલના પિતા-પુત્રોએ ડિપોઝીટ પેટે રૂ.3.97 કરોડ પડાવી વ્યાજે પૈસા નહીં આપી બાંહેધરી કરાર લખી આપી ડિપોઝીટ પેટે લીધેલા પૈસા પણ પરત નહીં કરતા છેવટે સિંગણપોર પોલીસે પિતા-પુત્રો વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર ઉમરાળાના તળપાડા ગામના વતની અને સુરતમાં સીટીલાઇટ એંજલ રેસિડન્સી બી/902 માં રહેતા 52 વર્ષીય વિમલભાઈ હરજીભાઈ ભીમાણી સિંગણપોર કૃપા રેસીડન્સી એ/104 ખાતે સહજાનંદ કન્સ્ટ્રક્શનના નામે બાંધકામનો વ્યવસાય કરે છે.વેડરોડ પંડોળ ખાતે નર્મદા મોબાઈલના નામે દુકાન ધરાવતા પરિચિત સિદ્ધાર્થ શાહ ચાર વર્ષ અગાઉ તેમની ઓફિસે આવ્યા હતા અને જો તમારે વ્યાજે પૈસા જોઈતા હોય તો મારી પાસે વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિ છે.જો તમારે રક કરોડ રૂપિયા જોઈતા હોય તો રૂ.15 લાખ ડિપોઝીટ પેટે આપવા પડે અને તેઓ 10-15 દિવસમાં રૂ.1 કરોડ માત્ર 1% ના વ્યાજે આપશે તેમ કહ્યું હતું.બાંધકામના વ્યવસાયમાં પૈસાની જરૂર રહેતી હોય વિમલભાઈએ સિદ્ધાર્થભાઈને તેમની સાથે મુલાકાત કરાવવા કહ્યું હતું.
સિદ્ધાર્થભાઈએ બાદમાં પાર્લે પોઈન્ટ રાજહંસ ઓરનેટ કોમ્પલેક્ષ ખાતે પોતાની કાર લઈ આવેલા બે ભાઈ મુકેશભાઇ- દિલીપભાઈ ત્રિકમભાઇ ભિંગરાડીયા ( બંને રહે.1202, સમુરીયા ફ્લેટસ, પાલ રોડ, અડાજણ, સુરત તથા એ/103, મણીભદ્ર વ્યુ, સૌરભ પોલીસ ચોકી પાસે, પાલ, અડાજણ, સુરત ) સાથે તેમની મુલાકાત કરાવી હતી.બંનેએ વિમલભાઈ અને સિદ્ધાર્થભાઈને કારમાં બેસાડયા હતા અને વાતચીત દરમિયાન વિમલભાઈએ રૂ.5 કરોડ જોઈએ છે તેમ કહેતા તેની ડિપોઝીટ પેટે રૂ.75 લાખ જમા કરવા કહી તે રકમ ત્રણ મહિના બાદ પરત મળશે તેમ કહ્યું હતું.ચાર-પાંચ દિવસ બાદ સિદ્ધાર્થભાઈએ ફોન કરી વિમલભાઈને પાલ ગેલેક્ષી સર્કલ રોડ ખાતે મળવા બોલાવ્યા હતા.વિમલભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે સિદ્ધાર્થભાઈ સાથે મુકેશભાઈ અને તેના પિતા ત્રિકમભાઇ હતા.ત્યાં વાતચીત બાદ વિમલભાઈએ રૂ.70 લાખ જમા કરાવતા મુકેશભાઈએ રૂ.5 કરોડના વ્યાજ માટે બીજા રૂ.5 લાખ જમા કરવા કહ્યું હતું.
જોકે, મુકેશભાઈએ બાદમાં ફોન કરી રૂ.5 લાખ નહીં તમને રૂ.10 કરોડ વ્યાજે આપીશ તેમ કહી તે મુજબ ડિપોઝીટના પૈસા જમા કરવા કહ્યું હતું.થોડીવારમાં જ ફરી મુકેશભાઈએ ફોન કરી ગાંધીનગરથી રૂ.15 કરોડ આવવાના છે તો તે મુજબ પૈસા જમા કરાવવા કહેતા વિમલભાઈએ તેમને રૂ.2.63 કરોડ આપ્યા હતા.ત્યાર બાદ બંને ભાઈઓએ અમારી પાસે રૂ.25 કરોડ પડયા છે કહી વિમલભાઈ પાસે બીજા રૂ.50 લાખ લીધા હતા.બાદમાં બને ભાઈઓએ વિમલભાઈની મિલ્કતો અડધા ભાવે વેચડાવી તેમાંથી રૂ.40 લાખ લઈ બાકીની રકમ મળી કુલ રૂ.3.97 કરોડ લીધા હતા.ત્યાર બાદ તેઓ પૈસા આપવમાં વાયદા કરતા હતા અને તે દરમિયાન વિમલભાઈને જાણ થઈ હતી કે મુકેશભાઈ અને દિલીપભાઈ વિરુદ્ધ રાજસ્થાનના રામદેવરા પોલીસ સ્ટેશનમાં વ્યાજે પૈસા આપવાના બહાને ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે.
બાદમાં ત્રિકમભાઈએ વિમલભાઈને તેમના પૈસા સવા મહિનામાં આપી દેવાનો વાયદો કરી પોલીસમાં ફરિયાદ નહીં કરવા કહેતા વિમલભાઈએ રાહ જોઈ હતી.જામીન પર છૂટીને આવેલા બંને ભાઈઓએ વિમલભાઈને રૂ.2,66,50,000 નો બાંહેધરી કરાર લખી આપ્યો હતો.પણ ત્યાર બાદ પિતા-પુત્રોએ ડિપોઝીટ પેટે લીધેલા રૂ.3.97 કરોડ પરત નહીં કરતા છેવટે વિમલભાઈએ પિતા-પુત્રો વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ગતરોજ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ એ.જી.ચૌધરી કરી રહ્યા છે.
અન્યો પણ ભોગ બન્યા છે : બંને ભાઈ આવી જ સ્કીમમાં રાજસ્થાનમાં ઝડપાયા હતા
સુરત, : કરોડો રૂપિયા માત્ર 1% ના વ્યાજે આપવાના બહાને બિલ્ડર વિમલભાઈ સાથે ઠગાઈ કરનાર ભીંગરાડીયા પિતા-પુત્રોએ વિમલભાઈના મિત્ર મનીષભાઈ શાહ પાસે પણ રૂ.35 લાખ પડાવ્યા છે.આવી જ સ્કીમ કરી પૈસા પડાવતા તેમના વિરુદ્ધ રાજસ્થાનના રામદેવરા પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2021 માં ગુનો નોંધાયો હતી અને તેમની ધરપકડ થઈ હતી.ત્યાર બાદ જાન્યુઆરી 2023 માં ફરી તે જ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં બંને ભાઈ ઉપરાંત મુકેશભાઈના સસરા હિતેશભાઈ પણ આરોપી હતા.
જે પૈસા વ્યાજે આપવાની વાત કરી હતી તે મંદિરના ટ્રસ્ટના અને રાજકારણીઓના છે તેમ કહ્યું હતું
સુરત, : બિલ્ડર વિમલભાઈને ભીંગરાડીયા ભાઈઓએ જે પૈસા વ્યાજે આપવાની વાત કરી હતી તે મંદિરના ટ્રસ્ટના અને રાજકારણીઓના તેમ સિદ્ધાર્થ શાહે જણાવ્યું હતું.વિમલભાઈને રૂ.5 કરોડ બાદ રૂ.10 કરોડ અને બાદમાં રૂ.15 કરોડ આપવાની વાત બંને ભાઈઓએ કરી હતી ત્યારે રૂ.15 કરોડ ગાંધીનગરથી આવવાના છે તેમ કહ્યું હતું.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સિદ્ધાર્થ શાહ પણ છેતરપિંડીમાં તેમની સાથે સામેલ હતો.