3.80 કરોડની ઠગાઈ કેસમાં છ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીના જામીનની માંગ રદ
ત્રિવેદી ફીન કેપ નામે ઈન્વેસ્ટમેન્ટ કંપની શરૃ કરી વળતર સ્કીમના નામે અમિત ત્રિવેદીએ 96 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી
સુરત
ત્રિવેદી ફીન કેપ નામે ઈન્વેસ્ટમેન્ટ કંપની શરૃ કરી વળતર સ્કીમના નામે અમિત ત્રિવેદીએ 96 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી
છ વર્ષ પહેલાં રાંદેર પોલીસની હદમાં ત્રિવેદી ફીન કેપ નામે ઈન્વેસ્ટમેન્ટ કંપની શરૃ કરી તેમાં રોકાણ માટે લલચામણી ઓફર કરીને કુલ 3.80 કરોડથી વધુ રોકાણો મેળવી ગુનાઈત ઠગાઈના કારસાના છ વર્ષે ઝડપાયેલા મુખ્ય સુત્રધાર આરોપીની જામીન મુક્તિની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે. શાહે નકારી કાઢી છે.
દાંડી કેનાલ રોડ સ્થિત વાસુપુજ્ય રેસીડેન્સીમાં રહેતા આરોપી અમિત મહેશભાઈ ત્રિવેદી વિરુધ્ધ રાંદેર પોલીસમાં જુન-2017માં ઈપીકો-406,420ની ફરિયાદ નોંધાઈ હતી.જે મુજબ આરોપીએ રાંદેર રોડ સ્થિત મોર્ડન શોપી કોમ્પ્લેક્ષ તથા દાંડી રોડ ખાતે ગાર્ડનીયા કોમ્પ્લેક્ષમાં ત્રિવેદી ફીન કેપ નામે અન્ય ઈન્વેસ્ટમેન્ટ કંપની શરૃ કરી હતી.જેમાં રોકાણ કરવા લોભામણી લાલચ આપીને ફરિયાદી તથા અન્ય 96 સાક્ષીઓ પાસેથી ધ્વનિત ઈન્વેસ્ટમેન્ટના કુલ રૃ.3.80 કરોડ રોકાણ કરાવીને ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતનો કારસો રચ્યો હતો.
આ કેસમાં છેલ્લાં છ વર્ષો સુધી ભાગેડુ જાહેર થયેલા મુખ્ય સુત્રધાર આરોપી અમિત ત્રિવેદી ગઈ તા.8-10-23ના રોજ મહારાષ્ટ્રથી ઝડપાઈ જતાં આરોપીના રિમાન્ડ બાદ જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ પાંચ માસ બાદ વિલંબિત ફરિયાદનો ખુલાશો ન કરવા,ચાર્જશીટ રજુ થયા બાદ વધુ તપાસ બાકી રહેતી ન હોઈ પ્રથમ દર્શનીય કેસના અભાવે જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી ગુનો આચર્યા બાદ છ વર્ષો સુધી ભાગેડુ જાહેર કરાયા બાદ ઝડપાયો છે.આરોપી વિરુધ્ધ 3.80 કરોડની ઠગાઈનો કારસો રચવા અંગે પ્રથમ દર્શનીય કેસ છે.આ કામે લખાણ તથા સમજુતી કરાર સહિત બેંક સ્ટેટમેન્ટ પણ મેળવવામાં આવી છે.જો કે કોઈ રીકવરી કરવામાં આવી ન હોઈ આરોપીને જામીન આપવાથી ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.