સુરતના મહુવામાં ચાર કલાકમાં 3.5 ઇંચ, ચોર્યાસીમાં 2.5 ઇંચ વરસાદ
સુરત જિલ્લામાં રેડ એલર્ટ
- સિટીમાં અડધો ઇંચ સાથે વાદળીયું વાતાવરણઃ દિવસ-રાતના તાપમાનમાં એક ડિગ્રીનો ફેર, મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી
સુરત
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારે દસથી બપોરે બે વાગ્યા સુધીના ચાર કલાકમાં મહુવામાં ૩.૫ ઇંચ, અને ચોર્યાસી તાલુકામાં પણ ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે.
મહુવા અને ચોર્યાસી સિવાયના તાલુકામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી હતી. સતત વરસાદના કારણે હિલ સ્ટેશન જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું. તો ખેડુતોએ પણ ડાંગરનુ વાવેતર જોરશોરથી શરૃ કરી દીધુ છે. જ્યારે સુરત શહેરમાં આજે દિવસના સુરત શહેરના ઉધના ઝોનમાં એક ઇંચ, સેન્ટ્રલ, રાંદેર, કતારગામ, વરાછા એ અને બી, લિંબાયત ઝોનમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા બે દિવસથી વરસાદી માહોલના પગલે સુરત શહેરનુ દિવસ અને રાત્રીના તાપમાનમાં એક ડિગ્રીનો જ ફરક નોંધાયો હતો. આજે સુરત શહેરનુ અધિકતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૯૭ ટકા, હવાનું દબાણ ૧૦૦૦.૮ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના પાંચ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.
આગામી ૪૮ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયુ છે. જેમા ભારે થી ભારે વરસાદની આગાહીની સાથે જ સાવચેતીના પગલા લેવા હવામાન વિભાગ દ્વારા સુચના અપાઇ છે.