ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં 3,021 વિદ્યાર્થીઓ મેરીટમાં
Surat Corporation School : ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવાયેલી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની ટોપ 11 શાળામાં સુરત પાલિકાની 8 શાળાનો સમાવેશ થયો છે. સમિતિની શાળાના 19,200 એ પરીક્ષા આપી હતી જેમાંથી 3,021 વિદ્યાર્થી મેરીટમાં આવ્યા છે. આજની સામાન્ય સભામાં વિદ્યાર્થીઓને અભિનંદન આપવા સાથે શાળા અને શિક્ષકોને પણ સન્માન કરવા માટે નિર્ણય કરાયો છે.
ધોરણ છ ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે ઉપરાંત સરકારની વિવિધ શાળાઓમાં વિના મુલ્યે એડમિશન મળે તે માટે ગુજરાત પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 20 હજાર વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 19,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. પરંતુ સમિતિના 3,021 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે તેઓને સ્કોલરશીપ મળશે અથવા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે.
આખા ગુજરાતમાં ટોપ 11 સ્કૂલમાં સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની 8 સ્કુલનો સમાવેશ થયો છે. જેમાં યુ.આર.સી ઝોન-2માં વરાછા કતારગામની 07 શાળાઓનો સમાવેશ થાય છે. સુરતમાં 3,021 જેટલા વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના વિદ્યાર્થીઓ મેરીટમાં આવેલ છે, જે પૈકી 1,968 જેટલા વિદ્યાર્થીઓ ઝોન-2ના છે. આજે સમિતિની સામન્ય સભા મળી હતી તેમાં તમામ સભ્યોએ શાળાઓની સિધ્ધિને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકો અને શાળાને પણ પ્રોત્સાહન મળવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.