29 વર્ષીય એન્જિનિયર, 40 વર્ષના રત્નકલાકારનું એકાએક મોત
- વરાછામાં રત્નકલાકાર દાંતના દવાખાનામાં અને સિંગરણપોર રોડનો યુવાન ઘરે જતી વેળા ચાલતા-ચાલતા ઢળી પડયો
સુરત, :
સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે વરાછામાં દાંતના દવાખાનામાં ૪૦ વર્ષીય રત્નકલાકાર અને ચોકબજારમાં ૨૯ વર્ષીય એન્જિનિયરની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત થયા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછા રોડ પર રવિપાર્ક સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય હિમત ગોર્વધન ડાભી ગત બપોરે તેમની પત્નીને વરાછામાં કુબેરનગર ખાતે દાંતના દવાખાનામાં સારવાર માટે લઇ ગયો હતો. ત્યાં હિમતની અચાનક તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.હિમત મુળ ભાવનગરમાં ઉમરાડા તાલુકામાં ચોગગામનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તે રત્નકલાકારનું કામ કરતો હતો.
બીજા બનાવમાં ચોકબજારમાં સિંગણપોર રોડ પર દેવ રેસીડન્સીમાં રહેતા ૨૯ વર્ષીય ચિરાગ ગોર્વધન પરમાર ગત સવારે ઘરે ચાલતા ચાલતા અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ અમરેલીમાં સાંવરકુંડલાનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્રછે. તે બાંધકામ સાઇડ પર સિવિલ એન્જીનીયર તરીકે કામ કરતો હતો.