જામનગર-દ્વારકામાં 5 દિવસથી મેગા ડિમોલિશન, દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણ હટાવાયા
Bulldozer Action in Jamnagar and Bet Dwarka | દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી મેગા ડિમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વહીવટી તંત્ર અને પોલીસ ખાતાના સંકલનમાં પાંચ દિવસ દરમિયાન સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર 271 રહેણાંક અને 7 કોમશયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરીને 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું આજે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે જાહેર કર્યું હતું.
મેગા ડિમોલિશન બાબતે વધુમાં જણાવ્યું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 બંદરો, 55 લેન્ડીંગ પોઈન્ટ, 34 ટાપુઓ, 15 ફિશિંગ પોઈન્ટ અને 11 જેટી વિસ્તારમાં અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને તેઓ કોઈ આધાર-પુરાવા નહીં આપી શકતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનહાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લામાં 3 બંદરો, 11 ટાપુઓ, 11 લેન્ડિંગ પોઇન્ટ, 3 જેટી અને 6 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 પોર્ટ, 23 આઇલેન્ડ, 44 લેન્ડિંગ પોઇન્ટ, 8 જેટી અને 9 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. જ્યાં પોલીસે વહીવટી તંત્રને સાથે રાખીને 271 રહેણાંક અને 7 કોમશયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરી 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કોઈ જગ્યાએ દબાણ થતું હોય અથવા થયેલું હોય તો એ અંગે પોલીસને માહિતી આપવા પણ લોકોને રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
ઉત્તરાયણે પણ બુલડોઝર ફર્યા, ડિમોલિશન યથાવત
ઓખામાં ગઈકાલે મંગળવારે ચોથા દિવસે ઉત્તરાયણ પર્વ હોવા છતાં ડિમોલિશન ચાલુ રહ્યું હતું. દામજી જેટી વિસ્તારમાં સરકારી જમીન પર આશરે 40 વર્ષથી રહેલા અનધિકૃત દબાણને હટાવીને 5650 સ્ક્વેર મીટર આશરે 6.50 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જેમાં દામજી જેટી પર આશરે 6 કરોડની કિંમતની 8000 ચોરસ મીટર જમીન પરના સાત દબાણો તેમજ પંચવટી વિસ્તારમાં ત્રણ, બાલાપર ગામમાં 20 મકાન તેમજ હનુમાન દાંડી રોડ પર પણ બુલડોઝર ફેરવીને એક દિવસમાં 39 રહેણાંક, 7 કોમશયલ અને 3 અન્ય મળી કુલ 49 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે એક દિવસમાં કુલ રૂપિયા 12.25 કરોડની કિંમતની 22638 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જે કાર્યવાહી આજે પાંચમાં દિવસે આગળ ધપાવીને બે દિવસમાં રૂ. 54.45 કરોડની બજાર કિંમતની એક લાખથી વધુ ચોરસ મીટર જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે.
મેગા ડિમોલિશન માટે અનેક બાબતો કારણભૂત
રાજકોટ રેન્જ આઈજીએ કહ્યું કે, મેગા ડિમોલિશન કરવા પાછળ અનેક બાબતો કારણભૂત બની છે. જેમ કે, જામનગર જિલ્લામાં પીરોટન ટાપુ પાસે ૫ મૂરિંગ પોઈન્ટ આવેલા છે, જેનાથી દેશનો 60 % ક્ડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે, જ્યાં કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદે દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું. બંને જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ સ્થળ કેફી દ્રવ્યો માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું. જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતી હતી.
પ્રથમ વખત તમામ આઇલેન્ડ એકપણ દબાણ વગરના બન્યા
જામનગર જિલ્લામાં પ્રથમ વખત એવું બન્યું છે કે તમામ આઇલેન્ડ છે એ કોઈપણ દબાણ વગરના બન્યા છે, તેમ જણાવીને રેન્જ આઈજીએ કહ્યું કે, જામનગર જિલ્લામાં પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદે દબાણોના અતિક્રમણ સામે નક્કર કાર્યવાહી કરીને અંદાજે 4000 ચોરસ ફૂટમાં 9 જેટલા મજારો સહિતના ધામક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ખાસ પીરોટન ટાપુને મૂળ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.