સુરતમાં 93 કેમ્પસમાં 282 સ્કૂલો સીલ, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ સામે પ્રશ્ન

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
સુરતમાં 93 કેમ્પસમાં 282 સ્કૂલો સીલ, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ સામે પ્રશ્ન 1 - image


- ગુરુવારથી નવું શૈક્ષણિક સત્ર શરૃ થશેઃ સીલ ખોલવા માટે બે દિવસમાં મ્યુનિ.માંથી  મંજુરી મેળવવી મુશ્કેલ

        સુરત

રાજકોટની કરૃણ ઘટના બાદ સુરતના અલગ અલગ ૯૩ સ્થળોએ આવેલી ૨૮૨ સ્કુલોને સીલ મારવામાં આવી છે. અને હવે સ્કુલ શરૃ થવાના આડે ગણતરીના બે દિવસ મંગળવાર અને બુધવાર જ બાકી રહ્યા છે. ત્યારે આ ગુરૃવારથી શરૃ થતા નવા શૈક્ષણિક વર્ષમાં બે દિવસમાં શાળા સંચાલકો કેવી રીતે પાલિકામાંથી મંજુરી લાવીને સ્કુલો શરૃ કરશે તે એક પ્રશ્ન છે ? સ્કુલ સંચાલકોના પાપે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળા શરૃ થવાના પ્રથમ દિવસે જ ભણતરથી વંચિત રહેશે.

રાજકોટની ઘટના બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા જેટલી પણ મિલ્કતોમાં ફાયર સેફટી અને બીયુસી નથી. તેવી મિલ્કતોને સીલ મારવામાં આવી હતી. જેમાં ૩૦૦ થી વધુ સ્કુલોને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી. આ સાથે જ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ તપાસ થઇ હતી. જેમાં ૧૦૬ ટીમ દ્વારા તપાસ થઇ હતી. તપાસ બાદ સુરત શહેરમાં અલગ અલગ ૯૩ કેમ્પસમાં આવેલી ૨૮૨ જેટલી સ્કુલોમાં ફાયર સેફટી અને બીયુસી નહીં હોવાનુ બહાર આવ્યુ હતુ. આ અંગે રિપોર્ટ તૈયાર કર્યા બાદ આગામી દિવસોમાં સુરત જિલ્લા કલેકટર અને પાલિકા કમિશ્નરને સુપરત કરાશે.

આમ પાલિકાની કાર્યવાહી અને જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ બાદ સુરત શહેરની ૨૮૨ સ્કુલોએ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને લાલીયાવાડી જ દાખવી હોવાનું જણાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે હવે સ્કુલ શરૃ થવાના બે દિવસ બાકી છે. આ બે દિવસમાં પાલિકામાં જઇને ફાયર કે બીયુસીની પરમીશન કેવી રીતે લાવશે અને કેવી રીતે સ્કુલો શરૃ કરશે તે એક પ્રશ્ન સતાવી રહ્યો છે.  ગુરૃવારથી શરૃ થતી સ્કુલોમાં આ ૨૮૨ સ્કુલોમાં ભણતા અંદાજે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે તેવી સ્થિતિ છે.  પ્રથમ દિવસે જ સ્કુલ સીલ હોવાથી ત્યાં જઇને કેવી રીતે ભણશે ? તે પ્રશ્ન શિક્ષકો અને વાલીઓમાં ચર્ચાઇ રહ્યો છે.

તક્ષશીલા ઘટના પછી પણ સ્કુલ સંચાલકોની આંખ ઉઘડી નથી, તંત્ર પણ આગ લાગે ત્યારે જ જાગે

રાજકોટની કરૃણ ઘટના પહેલા સુરત શહેરમાં પણ તક્ષશીલા ઘટના બની હતી. આ ઘટનામાંથી બોધપાઠ લઇને શાળા સંચાલકો હજુ પણ કશુ શીખ્યા નહીં હોવાનું ડીઇઓના રિપોર્ટ પરથી ફલિત થઇ રહ્યુ છે.  કેટલાક શાળા સંચાલકો જુના જમાનાની વાતો કરી રહ્યા છે કે અમે જયારે શાળાની મંજુરી લીધી હતી. તે વખતે બીયુસી કે ફાયર એનઓસીની મંજુરી લેવામાં આવતી ના હતી. અમને આમ જ શાળા શરૃ કરવાની મંજુરી મળી ગઇ હતી. સંચાલકોના આ હઠાગ્રહ આ વખતે નડી ગયો છે. અને સ્કુલો સીલ મરાઇ ગઇ છે. તો બીજી તરફ કેટલાક શાળા સંચાલકો એવો લૂલો બચાવ કરે છે કે અમોએ ઇમ્પેેકટ ફી માટે પાલિકામાં અરજી કરી હતી. પરંતુ અમારી અરજી નામંજુર કરી દેવાઇ હતી. જો કે ગમે તે હોય પરંતુ શાળા સંચાલકોની  આ લાપરવાહી કારણે લાખ્ખો વિદ્યાર્થીઓનું ભણતર અવશ્ય બગડશે.

ડીઇઓએ કહી દીધું, મ્યુનિ. કે કલેકટરમાં રજૂઆત કરો

સ્કુલ શરૃ થવાને હવે બે જ દિવસો બાકી હોવાથી આજે સ્કુલ સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી કે જે સ્કુલોને સીલ મારવામાં આવી છે તે સ્કુલોને કેવી રીતે શરૃ કરવી ? આ અંગે સ્પષ્ટ જણાવી દીધુ હતુ કે પાલિકા કે જિલ્લા કલેકટરમાં જઇને રજુઆત કરવાની રહેશે. સુત્રોના જણાવ્યા મુજબ જે જે સ્કુલોએ ફાયર એનઓસી રીન્યુ કરાવવાની બાકી છે કે પછી પેન્ડીગ છે તેવી સ્કુલો તેમજ ઇમ્પેકટ ફીની અરજી કરી હોઇ તેવી સ્કુલો શરૃ કરવા મંજુરી મળી શકશે. પરંતુ જે સ્કુલો પાસે બીયુસી નથી તે સ્કુલોના સીલ ખોલવામાં આવશે નહીં. આવી ૫૦ સ્કુલો હોવાનું જાણવા મળ્યુ છે. 


Google NewsGoogle News